મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના છતાં ભાજપના કાંતિ અમૃતિયાનો વિજય

Wednesday 14th December 2022 05:46 EST
 
 

મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનાની વચ્ચે સમગ્ર દેશની જેના પર નજર હતી તે હાઇપ્રોફાઇલ બનેલી મોરબી સીટ અંતે ભાજપે ભવ્ય જીત સાથે કબજે કરી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ સીટ ગુમાવી હતી અને 2020ની પેટાચૂંટણીમાં ફરી જીતી હતી.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં 135 નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનાની જાણ થતાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ પળનો પણ વિચાર કર્યા વગર મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું અને ઘણા નાગરિકોના જીવ બચાવ્યા હતા. નદીમાં પડીને કરેલું બચાવકાર્ય લોકોની અને ભાજપની નજરમાં વસી ગયું હતું, જેથી તેને ટિકિટ આપી હતી. લોકોની પણ સહાનુભૂતિ તેમના તરફ વળી હતી. આટલી ગંભીર ઘટના છતાં લોકોએ ભાજપ પર ભરોસો મૂકવાનું પસંદ કર્યું છે તે આ જીત સાથે સાબિત થાય છે. આ વખતે ભાજપ તરફથી સાતમી વખત ચૂંટણી લડતાં બાહુબલી નેતા કાંતિ અમૃતિયાએ 62 હજારથી વધુ લીડ સાથે વિજય મેળવ્યો હતો. તેમણે તેમના પરંપરાગત હરીફ ગણાતા કોંગ્રેસના જયંતી પટેલને સાતમી વખત હરાવ્યા હતા. જયંતીભાઈની 62,079 મતે હાર થઈ હતી. ચૂંટણી લડતાં કુલ 17માંથી 14 ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે.


comments powered by Disqus