વડોદરાઃ વડોદરા નજીક સિંધરોટમાં મહીસાગરના કાંઠે એક ખેતરમાં આવેલી ફેક્ટરીમાં એટીએસે દરોડા પાડીને રૂ. 478.65 કરોડનું 63.613 કિલો એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનાં 80.260 કિલો વિવિધ કેમિકલનો જથ્થો ઝડપી લીધો હતો. આ દરમિયાન સયાજીગંજમાં એક ઓફિસમાંથી મંગળવારે ડ્રગ્સ બનાવવાનું વધુ 100 કિલો રૉ-મિટિરિયલ પકડાયું હતું. ત્યારબાદ સિંધરોટમાં કેમિસ્ટ તરીકે કામ કરનારા શૈલેશ કટારિયાના ગોરવાના ઘરે દરોડો પાડતાં એટીએસે રૂ.121.40 કરોડનું 24.280 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું છે, જે તેમણે ચોખા અને સીંગતેલના કોથળામાં છુપાવ્યું હતું. એટીએસે અત્યાર સુધી સિંધરોટકાંડમાં કુલ રૂ. 607.635 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. આ કેસમાં એટીએસએ સૌમિલ સુરેશચંદ્ર પાઠક, શૈલેશ ગોવિંદભાઈ કટારિયા, વિનોદ રમણભાઈ નિજામા, મો. શફી ઉર્ફે જગ્ગુ મિસ્કિન દીવાન (નડિયાદ) અને ભરત ભીમાભાઈ ચાવડાની ધરપકડ કરી હતી. આ લોકોના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં આરોપી ભરત ચાવડાની કબૂલાતના આધારે એટીએસએ ઉપરોક્ત કાર્યવાહી હાથ ધરી હતી.

