સસરા કોંગ્રેસમાંથી હાર્યા, જમાઇ ભાજપમાંથી જીત્યા

Wednesday 14th December 2022 06:01 EST
 
 

વડોદરાઃ વડોદરા જિલ્લામાંથી છૂટા પડેલા છોટાઉદેપુર જિલ્લામાં સસરા અને જમાઈ બે અલગઅલગ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં સસરાનો પરાજય થયો હતો. આ બંને બેઠકો પર આપના ઉમેદવારો નિર્ણાયક બન્યા હતા.
છોટાઉદેપુર બેઠક પરથી કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્ર રાઠવા ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે આ જ જિલ્લાની જેતપુર પાવી બેઠક પરથી રાજેન્દ્રસિંહના સસરા સુખરામભાઈ રાઠવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી.
ઉપરોક્ત બંને બેઠક પર આપના ઉમેદવારોએ કોંગ્રેસની બાજી બગાડી હતી. છોટાઉદેપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાને 45,689 મત મળ્યા હતા, જ્યારે આપના ઉમેદવાર અર્જુન રાઠવાને 43,880 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રાજેન્દ્રસિંહને 75,129 મત મળતાં તેમનો વિજય થયો હતો.
તો જેતપુર-પાવીની સીટ પર ભાજપના જયંતી રાઠવાને 81,700 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના સુખરામભાઈ રાઠવાને 31,660 મત મળ્યા હતા. આપના રાધિકાબેન રાઠવાને 45,203 મત મળ્યા હતા. જેથી જમાઈ રાજેન્દ્રસિંહનો ભાજપમાંથી વિજય થયો હતો જ્યારે સસરા સુખરામભાઈનો કોંગ્રેસમાંથી પરાજય થયો હતો.


comments powered by Disqus