લંડનઃ અમેરિકાની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટે ભારતીય મૂળના રમેશ સની બલવાનીને રોકાણકારોના કરોડો રૂપિયા હડપ કરવાના મામલામાં 13 વર્ષ કેદની સજા ફટકારી હતી. રમેશ બલવાની પર જુઠ્ઠા દાવા કરીને રોકાણકારો સાથે છેતરપિંડીનો આરોપ હતો. બલવાની અને તેની ગર્લફ્રેન્ડ એલિઝાબેથ હોમ્સે 2003માં એક બ્લડ ટેસ્ટિંગ સ્ટાર્ટ અપ થેરાનોસનો પ્રારંભ કર્યો હતો. બલવાની આ કંપનીમાં હોમ્સ સાથે બિઝનેસ પાર્ટનર હતો. થેરાનોસે બ્લડ ટેસ્ટિંગ ફિલ્ડમાં ક્રાંતિ લાવવાનો દાવો કર્યો હતો.
કોર્ટે બલવાનીને 12 આરોપોમાં દોષી ઠરાવ્યો હતો જેમાં 10 આરોપ ફ્રોડ અને બે આરોપ ગુનાહિત કાવતરાના હતા. સરકારી વકીલે બલવાનીને 15 વર્ષની કેદ અને 6000 કરોડ રૂપિયાનો દંડ કરવાની માગ કરી હતી. આ મામલામાં એક અલગ ટ્રાયલમાં એલિઝાબેથ હોમ્સને ગયા મહિને જ અદાલતે 11 વર્ષની કેદ ફટકારી હતી. 2003માં એલિઝાબેથ હોમ્સે રિયલ ટાઇમ ક્યોર નામની કંપનીની સ્થાપના કરી હતી. પાછળથી તેનું નામ થેરાનોસ કરી નાખવામાં આવ્યું હતું. કંપની દ્વારા લોહીના માધ્યમથી સંખ્યાબંધ બોડી ટેસ્ટનો દાવો કરાયો હતો. હોમ્સ અને બલવાનીએ આ દાવાના આધારે રોકાણકારો પાસેથી રૂપિયા 5000 કરોડ મેળવ્યા હતા.

