પ્રાચીઃ પ્રાચીતીર્થનું અનેરૂં મહત્વ હોવાથી પ્રાચી તીર્થમાં પિતૃમાસ જેમકે કારતક માસ, ચૈત્ર માસ, ભાદરવા માસ દરમિયાન યાત્રિકોનો ભારે ધસારો રહે છે. પ્રાચી તીર્થમાં હાલ પણ ભાદરવા માસ નિમિતે પિતૃઓના મોક્ષાર્થે પિતૃતર્પણ વિધિ કરાવવા તેમજ મોક્ષ પીપળે પાણી રેડવા યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
લોકવાયકા અને પુરાણજ્ઞાની પંડિતોનાં મત પ્રમાણે, પ્રાચીતીર્થની પવિત્ર ભૂમિ પરથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી વહે છે. જે જગતની એક માત્ર નદી છે, જે પૂર્વ દિશામાં સૂર્યની સામે વહે છે. જેથી આ પવિત્ર સરસ્વતી નદીને પૂર્વવાહીની નદી કહેવાય છે. આ પ્રાચી તીર્થની ભૂમિ પર ધર્મરાજ યુધિષ્ઠિરે પિતૃ તર્પણ કર્યું હતું. આ તીર્થક્ષેત્રમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી, અહીં ધર્મરાજે વાવેલા મોક્ષ પીપળાને પાણી રેડવાથી પિતૃતર્પણનું કાશી કરતા પણ અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતપુરાણ મુજબ શ્રદ્ધકાર્ય કે મૃતક પાછળ આત્માની મુક્તિ અર્થે થતા કર્મકાંડ માટેનાં ઉત્તમ સ્થળોમાં પ્રભાસક્ષેત્ર સ્થાન પામે છે. આ પ્રભાસક્ષેત્રમાં દ્વારકા, સોમનાથ અને પ્રાચી તીર્થનો સમાવેશ થાય છે.

