વડોદરા: પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કર્યા બાદ એક અઠવાડિયાથી દેશવ્યાપી ચર્ચાનો વિષય બનેલી વડોદરાની યુવતીએ આખરે પોતાની જાત સાથે લગ્ન કરી લીધું હતું. આ યુવતીએ પોતાની જાત સાથે 11મી જૂને લગ્ન કરશે તેવી જાહેરાત કરી હતી. જોકે સમાજમાંથી વ્યાપક વિરોધના પગલે વધુ કશું થાય તે પહેલાં જ લગ્ન કરી લીધા હોવાનું તેણે જણાવ્યું હતું. શમા બિંદુએ 8મીએ બપોરે બ્લ્યૂ ટૂથ સ્પીકરના મંત્રોચ્ચાર સાથે પોતાની જાત સાથે 10 જેટલા મિત્રોની હાજરીમાં પોતાની જાતે જ પાંથીમાં સિંદૂર ભરીને લગ્ન કર્યું હતું. હવનકુંડના ફરતે ફેરા ફર્યા હતા અને પોતાની જાતને વરમાળા-મંગળસૂત્ર પહેરાવ્યાં હતાં. તેણે કહ્યું કે, સેંથામાં સિંદૂર પૂરતાં નાક પર પડ્યું હતું, તે લાંબી વય આપે છે અને શુકન મનાય છે. આ લગ્નમાં 10 હજારનો ખર્ચ કર્યો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
કેનેડિયન વેબસિરીઝ જોયા બાદ સોલોગેમીનો નિર્ધાર કરી આત્મવિવાહ કરનાર આ યુવતીએ જણાવ્યું કે, નાનપણથી હું જોતી હતી કે મહિલાઓ પૈતૃક વ્યવસ્થામાં ફસાયેલી છે. મારે એ રીતે જીવવું ન હતું. ભવિષ્યમાં જો લગ્ન કરશે તો પોતાની જાતને ડાઇવોર્સ નહીં આપે. આ લગ્નથી તેનાં માતા-પિતા ખુશ છે. પણ અમદાવાદ તેના પિતાનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેના પિતાએ જણાવ્યું કે, આ વિશે જે કંઇ વાત કરવી હોય તે તેની સાથે કરો,
હું તેના વિશે કોઇ વાત
કરીશ નહીં.

