મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Tuesday 14th June 2022 15:03 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં નૈેઋત્યના ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ શરૂ થઈ ગયો છે. રાજ્યના કુલ 105 તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો. આ સિવાયના અન્ય વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા.
રાજ્યમાં સૌથી વધુ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ જ્યારે ગાંધીનગરના મામસા તાલુકામાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચોટીલા અને ચુડા તાલુકામાં જ્યારે સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં બે કલાકમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય અરવલ્લીના મોડાસા, પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ખેડા, અમરેલી, મહેસાણા, કચ્છ, રાજકોટ, જામનગર, બોટાદ, આણંદ, દેવભૂમિ દ્વારકા, મહિસાગર, તાપી, સુર, નર્મદા, જૂનાગઢ, છોટા ઉદેપુર, વડોદરા સહિતના જિલ્લાના વિવિધ વિસ્તારમાં 1 મીમીથી લઈને 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં એક ઈંચ એક ઈંચ ઓલપાડ કામરેડ તાલુકામાં અડધો ઈંચ વરસાદ થયો હતો.
વીજળી પડવાથી ૧૨ના મોત
રાજ્યમાં વીજળી પડવાથી કુલ 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં એટલે કે, માત્ર 6 દિવસમાં જ 12 લોકોનો વીજળી પડવાના કારણે ભોગ લેવાયો છે. ધ્રાંગધ્રામાં યુવક અને પાટણમાં કિશોર તેમજ ભચાઉના ચોબારીમાં 2 યુવકના મોત થયા છે. આ પહેલા ગત 8મી જૂને અને રવિવારે 4-4 લોકોના મોત થયાં હતા.


comments powered by Disqus