ગાંધીનગર: ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને સંબંધિત મંત્રીઓની ઉપસ્થિતિમાં નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઊર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. 3050 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં રૂ. 900કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, રૂ.650કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને રૂ. 1500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. આમ, વડાપ્રધાને તેમની એક દિવસની મુલાકાત દરમ્યાન અહીં 7 યોજનાના લોકાર્પણ, 12 યોજનાના ખાતમુહૂર્ત અને 14 યોજનાનું ભૂમિપૂજન કર્યું હતું. તેમણે નવસારીમાં અંદાજિત રૂ. 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ ભૂમિપૂજન કર્યું હતું.
ખુડવેલ ગામે વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વિકાસના કામો એ અમારા માટે કોઇ રાજકીય બાબત નથી પણ એ અમારો સેવાનો સંકલ્પ છે. જેને અમે પૂર્ણ કરી રહ્યા છીએ. સુશાસનના આઠ વર્ષ અમે દેશના ગરીબોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવામાં સમર્પિત કર્યા છે. કેટલાક લોકોને એવું લાગે છે કે ચૂંટણી આવે એટલે વિકાસના કામો કરવામાં આવે છે. પરંતુ આ લોકોને મારો પડકાર છે કે મારું એક પણ અઠવાડિયું એવું શોધી લાવે કે જેમાં અમે વિકાસનું કામ ના કર્યું હોય. વિકાસ એ અમારા માટે રાજનીતિનો વિષય નથી, પણ એ અમારી લોકસેવાની પ્રતિબદ્ધતા અને લોકકલ્યાણનો અવસર છે. તેનાથી જ અમને જનતાના આશીર્વાદ મળે છે.
નવસારીમાં PMના હસ્તે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, એ.એમ. નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ૫૦૦ બેડની નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તથા એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાને ગણદેવી તાલુકાના ખારેલમાં ‘નાયક એજ્યુકેશન એન્ડ સ્કિલીંગ સેન્ટર ઓફ એક્સલન્સ’નો ડિજિટલી પ્રારંભ કરાવ્યો હતો.
નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ (NMMT) દ્વારા આઠ એકરમાં પથરાયેલા એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસ તેમજ કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈને અહીં ઉપલબ્ધ અત્યાધુનિક આરોગ્ય સુવિધા અને સંસાધનોનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. લાર્સન એન્ડ ટૂબ્રોના ગ્રૂપ ચેરમેન અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના સ્થાપક પદ્મવિભૂષણ એ.એમ.નાયકે વડાપ્રધાનને હેલ્થકેર કેમ્પસની ભૂમિકા અને કામગીરીથી માહિતગાર કર્યા હતા.

