સંક્ષિપ્ત સમાચાર

Tuesday 14th June 2022 15:07 EDT
 

વડાપ્રધાન ૧૭મીથી બે દિવસ માટે ફરી ગુજરાત આવશે
વડાપ્રધાને નરેન્દ્ર મોદી ૧૭,૧૮મી જૂને બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૧૭મી જૂનેથી સાંજે દિલ્હીથી અમદાવાદ આવશે અને ગાંધીનગર સ્થિત રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે, તેઓ રાત્રે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના અગ્રણીઓ સાથે ચર્ચા કરે તેવી સંભાવના છે. ૧૮મી જૂન, શનિવારથી સવારે તેઓ ૯.૧૫ વાગ્યે પાવાગઢ પહોંચીને મહાકાળી માતાજીના દર્શન કરશે ત્યાર બાદ સવારે ૧૧.૩૦ વાગે પાવાગઢ નજીકમાં આવેલા વિરાસત વનની મુલાકાત લેશે.
અલકાયદાની ધમકીના પગલે રાજયના મંદિરોની સુરક્ષામાં વધારો
ભાજપના પ્રવકતા નૂપુર શર્માના વિવાદીત નિવેદનના પગલે અલકાયદાએ ગુજરાત સહિત દેશમાં આતંકી હુમલો કરવા ધમકી આપી છે. જેના પગલે ગુજરાત રાજ્યમાં આતંકી હુમલાની દહેશતના પગલે સોમનાથ, દ્વારકાધીશ અને શામળાજી સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. રાઉન્ડ ધ ક્લોક પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ડી.વાય.એસ.પી, પ્રભાસપાટણ પીઆઈ તથા સ્ટેટ આઈબીના અધિકારી દ્વારા સોમનાથ મંદિર તથા મંદિર પરિસરની સુરક્ષામાં વધારો કરી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમાર કોરોનાની ઝપેટમાં
ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. કોરોનાની ચોથી લહેરનું આગમન થયું હોય તેવી સ્થિતિ પરિણમી છે. રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર કોરોના સંક્રમિત થયા છે. પંકજકુમારનો પોઝિટિવ રિપોર્ટ આપતાં સચિવાલયમાં અધિકારી-કર્મચારીગણમાં ફફડાટ ફેલાયો છે.
‘આપ’ના રાષ્ટ્રીય સંગઠનમાં ઇસુદાન-ઇન્દ્રનીલનો સમાવેશ
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સક્રિય રાજકરણમાં પદાર્પણ કર્યા બાદ પ્રથમ વખત મોટા સંગઠનની જાહેરાત કરી છે, પ્રથમ યાદીમાં 850 નેતાઓ-કાર્યકરોને સમાવ્યા પછી હજુ બીજી યાદી બાકી છે. ઇસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજયગુરુને નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી બનાવ્યા છે.
ગુજકો માસોલ ચૂંટણીમાં સૌપ્રથમવાર ભાજપના 26 સભ્યો બિનહરીફ
ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિ. (ગુજકો માસોલ) અમદાવાદના સંચાલક મંડળના સભ્યોની ચૂંટણીમાં સૌપ્રથમવાર ભાજપના 26 સભ્યો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. ગુજકો માસોલની કુલ 32 બેઠક પૈકી 26 બેઠક બિનહરીફ થવાને પગલે હવે તા. 19 જૂન, 2022ના રોજ 6 બેઠકો પર ચૂંટણી યોજાશે. ગુજકોમાસોલની તા. 19 જૂન, 2022ના રોજ યોજનારી ચૂંટણી માટેના ફોર્મ પાછા ખેંચવાની મુદત તા. 8 જૂન, 2022 હતી અને છેલ્લા દિવસે 26 બેઠકો પરથી ફોર્મ પરત ખેંચાવાને લીધે 26 બેઠકો પર BJPના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.


comments powered by Disqus