‘ગુજરાત વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા 15 ઓક્ટોબરથી’
રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારેય તેવી ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે. જોકે, ચૂંટણી અને આચારસંહિતા ચૂંટણીપંચ જાહેર કરતું હોય છે. પરંતુ ભરત બોઘરાએ જ આચારસંહિતાની તારીખ જાહેર કરતાં વિવાદ સર્જાયો છે. રાજકોટ જિલ્લા ભાજપની હેમુ ગઢવી હોલ ખાતે કારોબારી બેઠક મળી હતી. જેમાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીની આચારસંહિતા 15 ઓક્ટોબરથી આવી જશે, એટલે આપણી પાસે 100-125 દિવસ બાકી છે. 15 ઓક્ટોબર પછી આપણી પાસે સમય નહીં રહે. એટલે તૈયારીઓ શરૂ કરી દો.
લોકભારતી યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ પદે ડો. ભદ્રાયુ વચ્છરાજાની
ભાવનગર: છેલ્લા સાત દાયકાથી શિક્ષણ સાથે ટેકનોલોજી દ્વારા ગ્રામ વિકાસ અને કૃષિ શિક્ષણ આપતી સંસ્થા લોકભારતી છે. રાજકોટથી ભાવનગર જતા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનું શિક્ષણ કાર્ય સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ છે. તાજેતરમાં ગુજરાત સરકારે લોકભારત-સણોસરાને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. લોકભારતી સણોસરા સંસ્થાના સત્તામંડળે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં મૂલ્યનિષ્ઠ શિક્ષક તરીકે ખૂબ જાણીતા ડો. ભદ્રાયુ વચ્છરાજાનીને પ્રથમ કુલપતિ તરીકે આમંત્રિત કર્યા છે. યુજીસી એકેડમીક સ્ટાફ કોલેજના ડાયરેક્ટર તરીકે યશસ્વી ફરજ બજાવ્યા બાદ અદાણી ફાઉન્ડેશનમાં 4 વર્ષ સુધી એડવાઈઝર તરીકે કાર્ય સંભાળનાર અને સૌરાષ્ટ્રની અનેક શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત ડો. ભદ્રાયુ વચ્છરાજાની હાલ રાજકોટની ઐતિહાસિક શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ છે. વિઝડમ સ્કૂલ, ઈન્સ્ટિટ્યુટ ઓફ લેંગ્વેજ કોલેજ એન્ડ બીએડ કોલેજના માર્ગદર્શક તરીકે સેવા આપે છે.
રૂ. 22 લાખના દાગીના ‘મા જગદંબા’ને અર્પણ કર્યા
યાત્રાધામ અંબાજીમાં રાજસ્થાનના એક માઈ ભક્ત દ્વારા જગત જનની જગદંબાના ચરણોમાં સોના-ચાંદીના દાગીના જગદંબાના ચરમોમાં અર્પણ કર્યા હતા. જેનો મંદિર દ્વારા સ્વીકાર કરાયો હતો. અંબાજીમાં રાજસ્થાનના શ્રદ્ધાળુ માઈભક્ત દાતા વિજયકુમાર એરસીયા દ્વારા રૂ. 22,43,150ની કિંમતના 527.800 ગ્રામ વજનના સોનાના જૂના દાગીના અને રૂ. 43.200 ની કિંતમના 1110 ગ્રામ વજનના ચાંદીના જૂના કડા જંગદંબાના ચરમોમાં ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા.
બેન્કર ગ્રૂપ પર ITના દરોડા રોકડા, જ્વેલરી અને 10 લોકર મળ્યા
વડોદરા: વડોદરામાં બેંકર્સ ગ્રૂપ અને સુરતના સહજાનંદ ગ્રુપને સંબંધિત 35થી વધુ સ્થળે છેલ્લાં બે દિવસથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહયું છે. આઇટીની વિવિધ ઠેંકાણે મેરેથોન તપાસમાં અત્યારસુધી રૂ.5થી 6 કરોડ કેશ, રૂ.5થી6 કરોડની જ્વેલરી અને 10 લોકર સહિત મહત્ત્વના ડિજિટલ પુરાવા મળ્યાનું સૂત્રો પાસે જાણવા મળ્યું છે. સુરતના સહજાનંદ ગ્રૂપ અને વડોદરાના બેંકર્સ ગ્રૂપના અલગ-અલગ 35થી વધુ ઠેંકાણે ઇન્કમ ટેક્સના અધિકારીઓ સહિતની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સહજાનંદ પાસે બેંકર્સ ગ્રૂપની હોસ્પિટલો દ્વારા કેટલી કિંમતના સ્ટેન્ટની ખરીદાયા ? સ્ટેન્ટ માટે હોસ્પિટલોએ દર્દીઓ પાસે કેટલા નાણાં વસૂલ્યા? આ કંપની અને બેંકર ગ્રૂપ વચ્ચેની નાણાંકીય લેવડ-દેવડ વગેરે જેવા મુદ્દે તપાસ ચાલું છે.
૪ હાથ - ૪ પગ સાથે જન્મેલી ચહુંમુખીની સફળ શસ્ત્રક્રિયા
સુરત: બિહારમાં 4 હાથ અને 4 પગ સાથે જન્મેલી બાળકીનું કિરણ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અભિનેતા સોનુ સૂદે ઓપરેશનનો તમામ ખર્ચ ઉઠાવશે. અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. અઢી વર્ષની ચહુંમુખી કુમારીને સોનુ સૂદના કહેવા પર 30મી મેના રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરી હતી. હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં સફળ સર્જરી કરી હતી.તેનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો. બાળકીના પરિવાર પાસે સારવાર માટે નાણાં ન હોવાની વાત સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી. જેની જાણ સોનુ સુદને થતાં તેણે પોતાના ખર્ચે બાળકીનું ઓપરેશન કરાવવાની જાહેરાત કરી હતી. ડોક્ટરે કહ્યું હતું કે, ‘બાળકીને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે. કલાકોના ઓપરેશન બાદ તેની સર્જરી થઈ શકી છે.’
