ભુજઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સાઈટમાં તાજેતરમાં સ્થાન પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા ધોળાવીરાની મુખ્ય સચિવ પંકજકુમાર સાથે મુલાકાત લીધી હતી. તેમણે ધોળાવીરામાં પુરાતન સમયમાં સુઆયોજિત નગર રચના અને ખાસ કરીને તત્કાલીન સમયે વરસાદી પાણીના સંગ્રહ માટે, જળ સંચય માટેની જે વ્યવસ્થાઓ હતી તેની પણ જાણકારી પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કચ્છને પ્રવાસનના વૈશ્વિક નકશામાં અંકિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમત્રીએ પુરાતત્વ વિભાગ દ્વારા ધોળાવીરાની આ પ્રાચીન ધરોહરના અવશેષો, પુરાતત્વીય વસ્તુઓની જાળવણી માટેના મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું. તેમજ અહી વસતા જાણકારો સાથે પણ વાતચીત કરી હતી. પટેલે વિઝીટ બુકમાં પોતાનો પ્રતિભાવ નોંધતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની સફળતાને પરિણામે હવે આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળતા વૈશ્વિક સ્તરે જે મહત્વ વધ્યું છે તે સંદર્ભમાં રાજ્ય સરકારે પણ આ પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ અને તત્વ જાળવી રાખીને સમયાનુકુલ વિવિધ વિકાસ કામોનું આયોજન હાથ ધર્યું છે. ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

