મહેસાણાઃ કેનેડા મોકલવાના બહાના હેઠળ કોલકાતા લઈ જઈ ગોંધી રાખી કરોડો રૂપિયા પડાવી લેવાના કેસમાં ભોગ બનનાર વિજાપુર તાલુકાના વસાઈના પરિવારે ૨ સ્થાનિક અને ૨ બહારના એજન્ટો સામે વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂ.૧.૫૭ કરોડ પડાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વસઈના મિતેષ રણછોડભાઈ પટેલ, પત્ની શિતલબેન, દીકરો સામીલ અને દીકરી વર્ણિકાને પાસપોર્ટ વગર કેનેડા જવાનું હોવાથી વસાઈના અમરતભાઈ પટેલે વસાઈ ગામના અને અમદાવાદ રહેતા રમેશભાઈ પટેલ સાથે પરિચય કરાવ્યો હતો. બાદમાં મિતેષ પટેલ અને તેમના પરિવારને મુંબઈ અને કોલકાતામાં એક બંગલામાં ૩ મહિના માટે ગોંધી રખાયા હતા તથા તેમની પાસેથી ટુકડે-ટુકડે ૧.૫૭ કરોડ પડાવવામાં આવ્યા હતા. મિતેષ પટેલે હવે ૪ એજન્ટો સામે ફરિયાદ કરી છે.
ભોગ બનનાર માટે બકરું કાઢતાં ઊંટ પેઠું જેવો ઘાટ સર્જાયો
મિતેષ પટેલે વર્ષ ૨૦૨૧માં વિરમગામના ગોરૈયા ગામની સીમમાં ૧૧૦ વીઘા જમીન એક વીઘાના રૂ.૪.૫૦ લાખના ભાવે વેચાણ રાખી કોટેશ્વરના ધર્મેશ પટેલને રૂ.૫.૫૦ લાખના ભાવે વેચાણનું નક્કી કરાયું હતું. ધર્મેશે જમીનના બાના પેટે રૂ. ૩૫ લાખ આપતાં મિતેષે જમીન માલિકોને બાનાખત પેટે આપ્યા હતા. બાકીના પૈસા ધર્મેશે નહીં આપતાં જમીન માલિકોએ દસ્તાવેજ કરી આપેલા નહીં. તેથી ધર્મેશે મુંબઈની એક પાર્ટીને યોગેશ વ્યાસ નામના વકીલ મારફતે જમીન અપાવેલી હોઇ દસ્તાવેજ નહીં થતાં ધર્મેશે વકીલ વ્યાસનું અપહરણ કરાવ્યું હતું. મિતેષનું આરોપી તરીકે નામ આવતાં જામીન ઉપર મુક્ત થયો હતો. ધર્મેશે 35 લાખની ઉઘરાણીને કારણે વિદેશ જવાનું નક્કી કર્યું હતું. પાસપોર્ટ નહીં હોવાથી મિતેષે ગેરકાયદે વિદેશનું આયોજન કરતાં બકરું કાઢતાં ઊંટ પેઠું જેવો ઘાટ સર્જાયો છે.
કબૂતરબાજીની તપાસ વસાઈ પોલીસ કરશે
મહેસાણા એસઓજીના પીઆઈ ભાવેશ રાઠોડ હાલ રજા ઉપર છે. પીએસઆઈ એ.યુ. રોઝને ખેરાલુમાં ઈન્ચાર્જ પીઆઈ રખાયા છે. જ્યારે વી.એન. રાઠોડને કડી કેમ્પનો ચાર્જ સોંપાયો છે. બીજી તરફ, એલસીબીની ટીમો આઈઈએલટીએસ પેપર લૂંટની તપાસમાં છે. તેવા સમયે કબૂતરબાજીની તપાસ વસાઈ પોલીસને સોંપાઈ છે.
વિદેશ જવાની લાલચમાં ઘર અને દુકાન ખોયાં
ભોગ બનનાર મિતેષ પટેલે કહ્યું કે, વિદેશ જવાની લ્હાયમાં અને મારો જીવ બચાવવા મારું મકાન અને ગાંધીનગરના કુડાસણમાં બે દુકાનો હતી તે વેચી મારી છે. એટલે હાલમાં તો મારા પાસે છત પણ નથી અને કપડાં પણ પારકાં છે તેવું કહી શકાય.

