ગાંધીનગરઃ અમેરિકા અને કેનેડા લઇ જવાની લાલચ આપી અપહરણ અને ખંડણી ઉઘરાવતી ગેંગના સંકજામાં ફસાયેલા ૧૫ ગુજરાતીઓને ગાંધીનગર પોલીસે દિલ્હી સ્થિત એક હોટલમાં દિલધડક ઓપરેશન પાર પાડીને મુક્ત કરાવ્યા છે. જે લોકોને આ ગેંગના સકંજામાંથી છોડાવવામાં આવ્યા છે, તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ લોકોને ૩ મહિનાથી બંધક બનાવવામાં આવ્યા હતા. જેઓની પાસેથી અત્યાર સુધીમાં ૩ કરોડ જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી હોવાનું પણ પોલીસની તપાસમાં ખુલ્યુ છે.
આ મામલે પોલીસે એક સ્થાનિક એજન્ટની અટકાયત કરી છે. જ્યારે ગેંગના મુખ્ય સુત્રધારો ફરાર છે. કબૂતરબાજીની આડમાં ખંડણી ઉઘરાવતી આ ગેંગનું નેટવર્ક વિદેશમાં પણ પથરાયેલુ હોવાનું પોલીસ માની રહી છે. હાલ પોલીસે અપહ્યત તમામ ૧૫ લોકોને મુક્ત કરાવી તેમના પરિવારજનોને સોંપી દીધા છે.
માણસાના ખરણા ગામના એક વ્યક્તિએ પોતાના પુત્ર અને પુત્રવધુને કોઇ ગેંગે છેલ્લા ૩ મહિનાથી ગોંધી રાખ્યા હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. જે બાદ પોલીસે આ તપાસમાં ઝંપલાવ્યુ હતું આ મામલે એસપી મયુર ચાવડાએ જણાવ્યુ હતુ કે, પોલીસે રાજેશ નટવરલાલ પટેલ નામના સ્થાનિક એજન્ટની અટકાયત કરી છે. આ એજન્ટ મારફત જ ઉપરોક્ત વ્યક્તિઓને તેમના પરિવારજનોએ અમેરિકા અને કેનેડા જવા માટે મોકલ્યા હતા. જ્યારે રમેશ પટેલ નામના એજન્ટની પણ શંકાસ્પદ ભૂમિકા જણાઇ રહી છે.

