જર્મન રાજદૂત ભાવનગરની બે દિવસીય મુલાકાતે

Tuesday 15th February 2022 14:24 EST
 
 

ભાવનગર: જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનરે આજે સુરતથી રોપેક્ષ ફેરી મારફતે ભાવનગરના જાણીતા બંદર એવાં ઘોઘા ખાતે આવી પહોંચતાં ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેએ સ્વાગત- અભિવાદન કર્યું હતું.
ભાવનગર ખાતે રોપેક્ષ ફેરી મારફતે આવી પહોંચ્યાં બાદ તેમણે ભારત હવે દરિયાઇ પરિવહન ક્ષેત્રે પણ કાઠૂં કાઢી રહ્યું છે તેનું ઘોઘા સાક્ષી રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રો-રો ફેરી, રોપેક્સ ફેરી જેવાં પ્રકલ્પો દ્વારા ભારત દરિયાઇ ક્ષેત્રે પણ અગ્રેસર બની રહ્યું છે તેની સરાહના કરી હતી.
તેમણે સુરત થી ઘોઘાની દરિયાઇ સફર તેમના જીવનની એક યાદગાર સફર બની રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમની આ મુલાકાતમાં જર્મન એમ્બસીના મંત્રી અને આર્થિક અને વૈશ્વિક બાબતોના વડા સ્ટીફન કોચ, મુંબઇ કોન્સુલેટના કાર્યકારી કોન્સલ જનરલ મારિયા ઇયનિંગ, રાજનૈતિક અને આર્થિક બાબતોના વરિષ્ઠ સલાહકાર આશુમી શ્રોફ પણ સાથે રહ્યાં હતાં.
જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનરે આજે બપોર બાદ અલંગ શીપ બ્રેકીંગ યાર્ડની મુલાકાત લીધી હતી. સુરતથી રોપેક્ષ ફેરી મારફતે ભાવનગરના જાણીતા બંદર એવાં ઘોઘા ખાતે આવ્યાં બાદ બપોર બાદ તેઓ વિશ્વભરમાં જહાજો ભાંગવાના ઉદ્યોગ ક્ષેત્ર આગવી ઓળખ અને નામના ધરાવતાં અલંગ ખાતે મુલાકાતે પહોચ્યાં હતાં. જર્મનીના રાજદૂતએ અલંગ ખાતે પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને લીલા રિસાયક્લિંગ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કટીંગ થતાં જહાજ પર ચડી તેનાં મજૂરો સાથે પણ વાતચીત કરી તેઓ કઈ રીતે કામગીરી કરે છે, ગરમીના દિવસોમાં તેઓ કઈ રીતે પોતાની જાતને બચાવીને કાર્ય કરે છે, કેટલાં વર્ષથી તેઓ કાર્ય કરે છે,તેઓની ઉંમર સહિતની વિગતો જહાજ પર કાર્યરત કાર્યકરો પાસેથી જાણી હતી.


comments powered by Disqus