પાલનપુર: ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ કુડા છપરિયા લીંક રોડ પર ગત ૯ ફેબ્રુઆરીની મધરાતે એક ૧પ વર્ષીય કિશોર અજાણતા ભારતીય સરહદમાં ઘૂસી આવ્યો હતો. જેને બી.એસ.એફ દ્વારા ઝડપી લેવાયો હતો. તેની પૂછપરછ દરમિયાન તે પાકિસ્તાનના થરપારકર જિલ્લાના નગરપારકર તાલુકાના ઉંડેર ગામનો વતની હોવાનો અને તેનું નામ ગુમાનો બીન્જો હોવાનું જણાવ્યું હતું.
તે પાણીની તરસ અને ભૂખથી અસ્વસ્થ અવસ્થામાં મળી આવેલ હોવાથી જવાનોએ તેને ભોજન અને પાણી આપ્યું હતું. તેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તે ગરીબ પરિવારનો હોવાનું અને તેને ૧૦ ભાઈ-બહેન હોવાની તેમજ પોતે વાઈની બીમારીથી પીડાતો હોવાનું કહ્યું હતું. દરમિયાન બી.એસ.એફ. દ્વારા પાકિસ્તાન રેંજર્સનો સંપર્ક કરી અને ફલેગ મિટિંગ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને પાકિસ્તાન સેનાને સોંપવામાં આવ્યો હતો.

