મીરાએ તાંડવનૃત્ય દ્વારા મૃત્યુના દેવ મહાદેવજીની ઝાંખી કરાવી તો પ્રીતિએ સુંદર કંઠે "હંસલા હાલોને હવે મોતીડા નહીં રે મળે" ભક્તિગીત રજૂ કરી સૌને લાગણીભીના બનાવ્યા

પ્રકૃતિના પંચમહાભૂતની વાસ્તવિકતા દર્શાવતી "સૂરધારા"માં પ્રત્યેક આત્મા ભીંજાયો

Thursday 17th February 2022 00:56 EST
 
 

“રેડ લોટસ ઇવેન્ટ્સ"ના બેનર હેઠળ ભારતીય નૃત્યકલાને વિવિધ રૂપે પ્રદર્શિત કરનાર મીરા સલાટ અને પ્રીતિ વરસાણી દર વર્ષે "સૂરધારા"નો લાઇવ કાર્યક્રમ પ્રસ્તુત કરે છે. તાજેતરમાં પ્રીતિ અને મીરાએ પ્રકૃતિના મુખ્ય પાંચ તત્વ, પંચમહાભૂતને ગીત, સંગીત અને નૃત્ય દ્વારા ખૂબ સુંદર રીતે સમજાવ્યા. માનવ દેહ મૃત્યુ પામે ત્યારે પંચમહાભૂતમાં મળી જાય છે એ પાંચ તત્વ એટલે પૃથ્વી, વાયુ, આકાશ, જળ અને અગ્નિ. આ પાંચેય તત્વોને મીરાએ નૃત્ય દ્વારા અને પ્રીતિએ સુંદર કંઠે ગીતો વહાવી હ્દયસ્પર્શી ઢબે પ્રસ્તુત કર્યા. મીરાએ તાંડવનૃત્ય દ્વારા મૃત્યુના દેવ મહાદેવજીની ઝાંખી કરાવી તો પ્રીતિએ સુંદર કંઠે "હંસલા હાલોને હવે મોતીડા નહીં રે મળે" ભક્તિગીત રજૂ કરી સૌને લાગણીભીના બનાવ્યા.
“સૂરધારા"ના ગીતો, નૃત્યોને સંગીતબધ્ધ કરનાર સંગીતકારોમાં હતા- આલોક વર્મા (મ્યુઝીક પ્રોડકશન), મુકેશભાઇ બારોટ (ડ્રમ), એન્ડી કેઇટલીન (ગોંગ), કુમાર રઘુનાતન (વાયોલીન), પ્રવીણ પ્રથાપન (ફલૂટ), અતુલ કાન્તિલાલ (કીબોર્ડ). “સૂરધારા"ને નૃત્યોથી સજાવ્યું હતું મીરા સલાટના "માટી હાઉસ"એ અને પ્રીતિ વરસાણીએ ઘેઘૂરકંઠે "પંચમહાભૂત"ના મર્મને ગીતો દ્વારા સમજાવ્યો હતો.
પ્રીતિ અને મીરાએ જણાવ્યું કે, દર વર્ષે જાન્યુઆરીના અંતમાં આપણા પૂર્વજોના સ્મરણાર્થે અમે આવા નૃત્ય-ગીત અને સંગીતમય કાર્યક્રમો યોજીને પૂણ્યાત્માઓને અંજલિ આપીએ છીએ.
રીકમન્સવર્થ ખાતે વોટર્સમીટ થિયેટરના સ્ટેજ પર યોજાયેલ આ નૃત્ય અને સ્વરસંગીતબધ્ધ કાર્યક્રમને નિહાળવા કિંગ્સ કિચન્સના મેનેજિંગ ડાયરેક્ટર મનુભાઇ રામજી, ગુજરાત સમાચાર-Asian Voiceના પ્રકાશક, એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ, સંગત એડવાઇઝ સેન્ટરના કાન્તિભાઇ નાગડા, બ્રેન્ટ બરોના લેબર લીડર કાઉન્સિલર મોહમ્મદ બટ્ટ, હૈરોના કાઉન્સિલર અજય મારુ, કાઉન્સિલર કૃપેશ હિરાણી, કાઉન્સિલર કૃપા શેઠ સહિત મોટી સંખ્યામાં અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus