યુદ્ધની આશંકાએ યુક્રેનમાં અભ્યાસ કરતા આણંદના બે વિદ્યાર્થીઓ પરત આવશે

Tuesday 15th February 2022 14:17 EST
 
 

આણંદઃ આણંદએ એનઆરઆઈ હબ છે અને અહીં રહેતા અનેક વ્યક્તિઓ વિદેશમાં સ્થાયી થયેલા છે. જેમાં યુક્રેનનો પણ સમાવેશ થાય છે. આણંદના બે વિદ્યાર્થી યુક્રેનમાં અભ્યાસ કરતાં હતાં, પરંતુ હાલ યુદ્ધની આશંકાના પગલે કોઇ મોટી સમસ્યા ઉભી થાય તે પહેલા તેમને વતન પરત લાવવા માતા-પિતાએ સાંસદને રજૂઆત કરતાં તુરંત પગલા ભરાયા છે. બંને વિદ્યાર્થીઓ ૧૯મી ફેબ્રુઆરીએ પરત આવશે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ અને રશિયનના પ્રેસિડન્ટની વચ્ચે યુદ્ધ અટકાવવા થયેલી વાટાઘાટો પણ પડી ભાગી હોઈ અમેરિકા સહિત ઘણા દેશોએ પણ પોતાના દૂતાવાસોમાંથી પોતાના ડેલિગેશનોને સ્વદેશ પરત રવાના થવાના આદેશો આપી દીધા છે. યુક્રેનમાં અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે સ્થાયી થયેલા છે.
હાલ ત્યાં વિમાની સેવા પણ પ્રભાવિત થઈ છે. જેને કારણે પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. આણંદના બે વિદ્યાર્થીના પરિવારજનોએ સાંસદ મિતેષભાઈ પટેલનો સંપર્ક કરી તેમના સંતાનોને વહેલાસર પરત લાવવા મદદ કરવા અપીલ કરી છે. આણંદના નીલ ધર્મેન્દ્રકુમાર નાયક અને નમન હરેશભાઇ સોની યુક્રેનમાં BSMU સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ચેર્નિવિસ્ટી (યુક્રેન)માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીના પરિવારજનોએ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલનો સંપર્ક કર્યો છે. જેના પગલે બન્ને ૧૯ મીએ હેમખેમ વતન પરત પહોંચશે.
મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદથી લગભગ બે દિવસ પહેલા ફોન આવ્યો હતો કે, આણંદના બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરવા ગયા છે અને તે અત્યારની પરિસ્થિતિમાં ફસાઇ ગયાં છે. આ બન્ને વિદ્યાર્થીને આણંદ હેમખેમ પાછા લાવવામાં આવે તેવી રજુઆત કરી હતી. જેના પગલે અહીંની ઓફિસથી દિલ્હી ફોરેન મિનિસ્ટ્રીમાં મેઈલ કર્યો હતો. તેમજ આ બાબતે ટેલિફોનીક દ્વારા વાત પણ કરી હતી.


comments powered by Disqus