નવી દિલ્હીઃ કર્ણાટકમાંથી શરૂ થયેલો હિજાબ વિવાદ ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. એવામાં દેશમાં સમાનતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા તથા રાષ્ટ્રીય એકતા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે સમાન ડ્રેસ કોડ લાગુ કરવા શનિવારે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ થઈ છે. આ અરજીમાં કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાન ડ્રેસકોડ લાગુ કરવા આદેશ આપવા માટે આગ્રહ કરાયો છે. દરમિયાન કર્ણાટકમાં રાજ્ય સરકારે પીયુ કોલેજોની રજા ૧૫મી સુધી લંબાવી દીધી છે. રાજ્યમાં સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિ પર નિયંત્રણ માટે પોલીસે દક્ષિણ કન્નડ અને ઉડુપીમાં ફ્લેગ માર્ચ કરી હતી.
કર્ણાટક સરકાર સ્કૂલમાં હિજાબ અંગે નવી માર્ગદર્શિકાઓ લાવે તેવી સંભાવના
કર્ણાટક સરકાર સ્કૂલો અને કોલેજમાં ધાર્મિક વસ્ત્રો પહેરવા પર હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી પ્રતિબંધ જારી રાખવાની દરખાસ્તના લીધે હિજાબ અંગે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) જારી કરે તેવી સંભાવના છે. આ કેસ હાલમાં કોર્ટમાં પડતર છે. કોર્ટના આદેશ છતાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતા સરકારે આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો છે. શાળાના સત્તાવાળાઓએ કેટલીક વિદ્યાર્થીઓને સ્કૂલ બહાર હિજાબ કાઢી નાખવા પણ જણાવ્યું છે.
હવે આ પ્રકારની પરિસ્થિતિને ટાળવા સરકાર માર્ગદર્શિકાઓનો નવો સેટ લઈ આવે તેવી સંભાવના છે. મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્માઈ શિક્ષણ પ્રધાન બીસી નાગેશ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓને હાઈકોર્ટની દરખાસ્તના આધારે માર્ગદર્શિક નક્કી કરવા મળ્યા હતા.
આ દરમિયાન હિજાબ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. હિજાબની તરફેણ કરતી યુવતીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેઓને સ્કૂલના યુનિફોર્મના કલરમાં હિજાબ પહેરવા દેવામાં આવે.

