હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું રનવેનું કામ ૯૦ ટકા પૂર્ણ, ઓગસ્ટથી ફ્લાઈટ શરૂ કરવા પ્રયાસ

Tuesday 15th February 2022 14:21 EST
 
 

રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસને નવી દિશા આપતા હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરીને ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. જેમાં આગામી એક માસમાં એરપોર્ટનાં ટેમ્પરરી ટર્મીનલનું કામ પણ શરુ કરી દેવાશે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની રન વેની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશકુમાર બાબુએ જણાવ્યું હતું.
આ અંગે વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, હાલ કન્વર્ટર બોક્ષની કામગીરીને આગળ ધપાવવામાં આવી રહી છે. તેમજ આગામી ૧૫ ઓગસ્ટથી આંતરાષ્ટ્રીય એરપોર્ટ ફલાાઈટોના ઉડાન માટે પૂર્ણપણે તૈયાર થઇ જશે. ૧૦૩૦ હેક્ટર જમીનમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન-વે માટે બોકસ કન્વર્ટરની કામગીરીને હાલ અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ફાયર સ્ટેશનની કામગીરી તેમજ એરપોર્ટની બાઉન્ડ્રી વોલની કામગીરીને પણ અગ્રતાના ધોરણે ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, ટ્રેક સિસ્ટમની ચકાસણીની કામગીરી હાલ ચાલી રહી છે. રન વે સિવાય પરમેનન્ટ ટર્મિનલ ઊભું કરવાની કામગીરી ચાલી રહી છે. તેમજ ફ્લાઇટ ટેસ્ટિંગ માટેની કામગીરી ચાલી રહી છે. જે બાબતે સરકાર સાથે વાતચીત પણ ચાલી રહી છે. વરસાદી પાણી નિકાલ બાબતે પણ કામગીરી ચાલી રહી છે. તો સાથો સાથ મોબાઈલ ટાવરને દુર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમજ રાજકોટ અમદાવાદ હાઇવેથી એરપોર્ટ સુધીના એપ્રોચ રોડની કામગીરી પણ ચાલી રહી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટ નજીક આવનારા દિવસોમાં ઓવર બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે પ્રિફેબ્રીકેટેડ ટર્મિનલ ઓરિસ્સાથી લાવવામાં આવનાર છે. જ્યારે જરુરી એવો એટીસી ટાવર કુષિનગરથી હીરાસર એરપોર્ટમાં લવાશે. આ એરપોર્ટનું ખાતમુર્હુત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. જે બાદ આ એરપોર્ટની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્રે કમર કસી દીધી છે. પાર્કિંગ, ટેક્સી ટ્રેકની કામગીરી પણ ૧૦૦ ટકા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એરપોર્ટમાં ટેમ્પરરી પ્રિફેબ્રીકેટેડ ટર્મિનલ ઉભુ કરી આ એરપોર્ટને ઓગસ્ટ- ૨૦૨૨થી ફલાઇટોના ઉડાન માટે તૈયાર કરી દેવામાં આવનાર છે.


comments powered by Disqus