સુરતઃ 38 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનિષા કુકડિયા ભાજપમાં જોડાયા હતા. જ્યારે આજે મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઈ ગયા છે. જેની જાહેરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કરી છે. મનિષા કુકડિયાએ ફરી આપમાં જોડવા માટે આપના નેતાઓનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, મનિષા કુકડિયા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે કહ્યું હતું કે, અમે જનતાની સાથે જ છીએ. અમે દબાણ વગર ભાજપમાં જોડાયા છીએ.
આજે ફરીથી આપમાં જોડાયા બાદ મનિષા કુકડીયા પોતે કોઈ વધુ વાત કરી શક્યા ન હતા. પરંતુ તેમના પતિ જગદીશભાઈએ કહ્યું હતું કે મારી પત્નીને એવું હતું કે વિપક્ષમાં કોઈ કામ નહીં થાય તેથી તેઓ સત્તા પક્ષ ભાજપમાં જોડાયા હતા. તેઓ ભાજપમાં જોડાયાના દોઢેક માસમાં તેમણે આપણે ધારીયે તેવું ભાજપમાં થતું નથી ત્યાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને લોકતંત્રનું હનન થાય છે. તેથી મારી પત્નીએ પહેલા રાજીનામું આપવાની વાત કરી હતી. જોકે, ત્યારબાદ અમે ફરીથી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અમારા જીવના જોખમે ભાજપમાંથી આપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે
સરકારી કામકાજમાં પણ ભાજપના નેતાઓનો મોટો ભ્રષ્ટાચાર
મહિલા કોર્પોરેટર મનિષા કુકડીયા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા પાછળનું કારણ હતું કે લોકોના કામ નથી અને સરળતાથી થઈ જાય તેના માટે મે ભાજપ જે શાસક પક્ષમાં છે તેમાં જોડાઇને એ લોકો માટે વધારે સેવા કરું. પરંતુ ત્યાં ગયા પછી મને ખૂબ જ આશ્ચર્ય થયું. થોડા જ સમયમાં મને જાણવા મળ્યું કે જેટલી પણ ગ્રાન્ટ મળે છે સરકાર તરફથી વિકાસના કામ માટેની તેની 20 ટકા જેટલી રકમ આપવાની હોય છે. એટલું જ નહીં સરકારી કામકાજમાં પણ નેતાઓ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ જોઈને મને એવું થયું કે મારી પાર્ટી આમ આદમીમાં જ ફરીથી હું જાવ અને ત્યાં જ લોકોની સેવા કરવા માટેની કામગીરીમાં ફરીથી જોડાઈ જાવ કારણ કે આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચારમુક્ત શાસનનું સ્વપ્ન જોઇ રહી છે અને તે દિશામાં આગળ વધી રહી છે.

