કડીઃ ખાખરીયા ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ પ્રેરીત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ કડીના પ્રમુખ અક્ષર નિવાસી વાસુદેવભાઈ પટેલની સેવાયાત્રા સ્મૃતિ વંદનાનો કાર્યક્રમ મેઘના કેમ્પસ કડી ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત અમદાવાદ કાલુપુર નરનારાયણ દેવ ગાદી સંસ્થાના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું કે, વગર સ્વાર્થે સતત કોઈના સંપર્કમાં રહેવું ઘણું અઘરું છે. ઘરમાં એવું વાતાવરણ બનાવો કે દીકરા-દીકરીઓ હાથ પકડીને આપણને ઉતારે. મંદિરો 40 ટકા જ બનાવો અને 60 ટકા કોમ્યુનિટી ઉભી કરો.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, આંદોલન વખતે પાટીદારો અને સરકાર વચ્ચે વાસુદેવભાઈ સહિત અન્ય અગ્રણીઓએ સુમેળ કરાવવા ભારે જહેમત ઉઠાવી હતી. બિન અનામત આયોગ બનાવી સમાજને મદદ થવાના રાજ્ય સરકારના પ્રયાસોના ભાગરૂપ હતા વાસુદેવભાઈ પટેલ. માણસના ગયા પછી તેને કરેલા કામોની ઉંચાઈથી આકર્ષાઈ તેમના જેવા કાર્યો કરવા જોઈએ.
આ પ્રસંગે અનુપમ મિશન મોગરીના જસભાઈ સાહેબે જણાવ્યું કે, સારી ફળદ્રુપતા વાળી જમીનમા મોંઘું બિયારણ વાવ્યું હોય પણ તેને પાણીથી સિંચન ન કરો તો નકામું જાય છે. ઘરમાં ગમે તેટલો સત્સંગ હોય પણ સાધુના સમાગમ વિના અધૂરો રહે છે.
