ગણદેવી, તા. ૧૪ઃ ગણદેવી તાલુકાના ચાંગા-ધનોરી ગામે રહેતા આંધ્રપ્રદેશ રાજ્યના માજીરાજ્યપાલ તથા પૂર્વ કેન્દ્રિય મંત્રી કુમુદબેન જોષીનું લાંબી માંદગી બાદ 88 વર્ષની જૈફ વયે 14 માર્ચના રોજ નિધન થયું છે. લગભગ બે વર્ષ અગાઉ તેમને પેરેલિસિસીનો હુમલો આવ્યો હતો અને ત્યારથી તેઓ પથારીવશ હતા. 31 જાન્યુઆરી 1934ના રોજ અમદાવાદના કઠવાડા ગામમાં જન્મેલા કુમેદબેન જોષીનું મૂળ વતન સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું સરસ ગામ છે. તેમના પિતા મણિશંકરભાઈ ખેતી સંભાળવા માટે ચાંગા ધનોરી આવી ગયા અને અહીં વસવાટ કર્યો હતો અહીંથી જ તેમની રાજકીય કારકિર્દી પણ શરૂ થઈ હતી. જીવન નિર્વાહ માટે તેઓ ગણદેવીમાં મોટરસાઈકલ પર બેસીને દૂધ વેચવા પણ નીકળતા હતા. એ બાદ ઇન્દિરા ગાંધી સાથેના ઘરોબાને કારણે તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા અને એ સાથે જ પૂર્વ માહિતી પ્રસારણ મંત્રી તથા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પણ બન્યા હતા. તેમને કુટુંબ કલ્યાણ મંત્રાલયનો કાર્યભાર સોંપાયો હતો. એ પછી રાજીવ ગાંધી સરકારે તેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા હતા. આંધ્રપ્રદેશમાં જોગીની પ્રથા નાબૂદ કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. એ ઉપરાંત આંધ્રપ્રદેશમાં વિવિધ કામો કરી દેખાડ્યા હતા. જોકે તત્કાલીન મુખ્યમંત્રી એનટીરામારાવ સાથે તેઓ સંઘર્ષમાં હતા.
તેમને ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન પણ બનાવાયા હતા. પરંતુ એ પછી તેઓ સક્રિય રાજકારણને અલવિદા કહીને ચાંગા ધાનોરી ગામે નિવૃત્ત જીવન જીવતા હતા.

