હિંમતનગર: ઇડર પાંજરાપોળમાં મકાઇનો લીલો ઘાસચારો ખાધા બાદ ૨૩૦ જેટલા પશુઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. જેમાં પાંજરાપોળ અને પશુપાલન વિભાગના ચાર તબીબોની સઘન સારવાર છતાં ૮૭ વાછરડાં અને ૨૭ ગાયો મળી ૧૧૬ પશુઓનાં મોત થતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો હતો.
બીજી બાજુ આટલી મોટી કમનસીબ ઘટના છતાં પાંજરાપોળ સંચાલકો દ્વારા માત્ર ૨૫ નાં મોત થયાની જાહેરાત કરાઇ હતી. જોકે, પશુપાલન વિભાગે સત્તાવાર રીતે ૧૧૬ ગાય-વાછરડાનાં મોત થયાંનો ઘટસ્ફોટ કરતાં પાંજરાપોળનું જુઠ્ઠાણું બહાર આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં અબોલ પશુઓનું નિર્વહન કરતી એકમાત્ર ઇડર પાંજરાપોળ ૮૮૦ એકર વિસ્તાર ધરાવે છે અને હાલમાં ૧૯૭૬ પશુઓની સારસંભાળ લેવાઇ રહી છે. દાતાઓનું લાખોનું દાન પણ આવે છે.

