અમદાવાદઃ ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)એ તાન્ઝાનિયાના મુસાફરને રૂ. ૩૨ કરોડના હેરોઈન સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો હતો. છેલ્લા ૧૮ દિવસમાં એરપોર્ટ પરથી રૂ. ૧૩૦ કરોડનું હેરોઈન ઝડપાયું હતું.
ડીઆરઆઇના અધિકારીઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકાથી શારજહાં અને અમદાવાદ આવેલા તાન્ઝાનિયાના મુસાફર જેમાં એક પુરુષને અટકાવી તેના લગેજની તપાસ દરમિયાન ટ્રોલી બેગની ચેસીસમાં પાઉડર ફોર્મમાં રૂ. ૩૨ કરોડનું ૪.૫ કિલો હેરોઈન સંતાડીને લઇ જતા ઝડપી પાડ્યો હતો. બેગમાં વધારે વજન હતું અને ટ્રોલી બેગના તળિયે ચેસીસની અંદર પોલાણ મળી આવ્યું હતું. જેમાં બ્રાઉન કલરના પાઉડર ફોર્મમાં પ્લાસ્ટિક પેકિંગ છુપાવવામાં આવ્યું હતું, જેને મુસાફર અને સાક્ષીઓની હાજરીમાં ખોલવામાં આવ્યું હતું. જેનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓએ ફિલ્ડ ડ્રગ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ કિટનો ઉપયોગ કરીને પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણમાં એનડીપીએસ ડ્રગ એટલે કે હેરોઇન હોવાનો રિપોર્ટ મળ્યો હતો. આ મુસાફરની બેગમાંથી મળેલી પ્લાસ્ટિકની બે બેગમાં કુલ ૪.૫ કિલો વજનનું રૂ. ૩૨ કરોડનું હેરોઇન મળી આવ્યું હતું. ભારતમાં નાર્કોટિક ડ્રગની તસ્કરી કરવા માટે આ મુસાફરની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા બે અઠવાડિયામાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડીઆરઆઇ અમદાવાદ દ્વારા હેરોઇનની તસ્કરીનો છઠ્ઠી વખત મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં રૂ. ૧૩૦કરોડની કિંમતના ૧૮ કિલોથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
