કાશીની જેમ સોમનાથ કોરિડોર બનાવવાની વિચારણા

Tuesday 15th March 2022 13:24 EDT
 
 

ગાંધીનગરઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગરના રાજભવનમાં બેઠક યોજાઈ હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે વડાપ્રધાનને બેઠકમાં ટ્રસ્ટના વાર્ષિક હિસાબો અંગે ચર્ચા કરી હતી અને કાશી કોરિડોરની જેમ સોમનાથ કોરિડોર બનાવવાની વિચારણા પણ કરવામાં આવી હતી.
દેશના 12 દ્વાદશ જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ જેમનું નામ લેવાય છે તેવા વેરાવળ સોમનાથના જગપ્રસિદ્ધ સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરી 2021માં અધ્યક્ષ બન્યા હતા. આજે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત ગાંધીનગરના રાજભવનમાં ટ્રસ્ટી ગણ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદી દેશના એવા બીજા વડાપ્રધાન છે જેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા હોય. આ પૂર્વે ચેરમેન તરીકે વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ રહી ચૂક્યાં છે.
નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમા ચેરમેન છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મંદિરના ટ્રસ્ટના ચેરમેન પદે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા કેશુભાઈ પટેલના નિધન પછી ખાલી પડેલી જગ્યા પર નરેન્દ્ર મોદી વરાયા હતા.
આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ટ્રસ્ટના સભ્યો જે.ડી. પરમાર, પી.કે. લહેરી, હર્ષવર્ધન ટીવેટિયા ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus