જૂનાગઢઃ સિદ્વ પુરુષો અને સંતોની પાવન ભૂમિ સમાન ગીરનારની તળેટીમાં પાછલા પાંચ દાયકાથી સ્વ. પુનિતાચારીજી મહારાજે દત્ત નામની ધૂણી ધખાવેલી છે. પ્રભુ ભક્તિ કરવા માટે સંસાર છોડવાની નહીં. પરંતુ સંસારમાં રહીને ભૂક્તિ- મુક્તિ મેળવવાનો રાહ બતાવનારા પૂ.પુનિતાચારીજી મહારાજ ૮ માર્ચે દત્તશરણ પામ્યા છે. પૂ.સ્વામીજી પાસે આવનારા સાધકોમાં યુવાનો અને જિજ્ઞાસુઓની સંખ્યા જ વધારે રહેતી હતી. પોતાની પાસે આવનારા દરેકને પિતૃ વાસ્તલ્યની ભીંજવી દેતા હોવાથી પૂ.શ્રીને બાપુશ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અચૂક દરેકને કહેતા કે, સાધુ બનવાથી સંસાર ત્યાગવો તે સાચો માર્ગ નથી. સંસારમાં રહીને જવાબદારીનોના પાલન સાથે કરેલું પ્રભુસ્મરણ જ શ્રેષ્ઠ છે. માતા-પિતા અને પરિવારને દુઃખી કરવાથી ભગવાન ક્યારેય પ્રસન્ન થાય નહીં, વ્યક્તિની પહેલી જવાબદારી માતા-પિતા અને પરિવાર માટે છે. તેમની સાથે રહીને કરેલું પ્રભુ ભજન જ શ્રેષ્ઠ છે. અને તેમાં જ તમામ સિદ્વિઓ તથા ભુક્તિ-મુક્તિનો માર્ગ રહેલો છે. તેવું કહેવાના બદલે પૂ.બાપશ્રી હાથ પકડીને માર્ગ પર પા-પા પગલી પણ મંડાવતા.

