ગૃહિણી હોય કે સંન્યાસી મહિલા, નવા ભારતનું સ્વપ્ન અભિયાનને ઉપાડે

Tuesday 15th March 2022 13:12 EDT
 
 

ભુજ: ભારત પાકિસ્તાનની સરહદે આવેલા ભુજ તાલુકાના ચેવાડાના ગામ ધોરડોના સફેદ રણના સાંનિધ્યમાં ગુજરાતના મહિલા સાધ્વીઓના યોજાયેલા સંમેલનને સંબોધતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહસ્થી હોય કે સંન્યાસી મહિલાઓએ દેશના અભિયાનોને જવાબદારીપૂર્વક ઉપાડી લેવા જોઈએ એમ જણાવ્યું હતું. ખાસ કરીને કુપોષિત બાળકોને બચાવો, બેટી પઢાવો, વોકલ ફોર લોકલ સહિતની જવાબદારી આઝાદીના અમૃત મહોત્સવના સમયમાં ઉપાડીને નવા ભારતના સ્વપ્ને સાકાર કરવા માટે હાકલ કરી છે. કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ અભિયાનમાં તેમની ભાગીદારી માટે પણ કહ્યું હતું.
વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ધોરડોમાં યોજાયેલા સાધ્વી સંમેલનમને દિલ્હીથી સંબોધી રહેલા વડાપ્રધાન કચ્છની ભૂમિને નારી સામર્થ્યની ભૂમિ ગણાવીને દેશની મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ નૈતિકતા, વફાદારી, નિર્ણચકાત અને નેતૃત્વનું પ્રતિબિંબ છે. તેથી જ આપણા વેદ અને પંરપરાએ આહ્વાન આપ્યું છે કે મહિલાઓએ રાષ્ટ્રને દિશા આપવા માટે સક્ષમ બનવું જોઈએ.
જે રાષ્ટ્ર આ ધરતીને માતા માને છે, ત્યાંની મહિલાઓની પ્રગતિ હંમેશાં રાષ્ટ્રના સશક્તીકરણને બળ આપે છે. આજે દેશની પ્રાથમિકતા મહિલાઓના જીવનમાં સુધારો કરવાની છે. દેશની પ્રાથમિકતા ભારતની વિકાસયાત્રામાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારી રહેલી છે. તેમણે 11 કરોડ શૌચાલય, 9 કરોડ ઉજ્જવલા ગેસ કનેકશન, 23 કરોડ જન ધન ખાતાના નિર્માણનો ઉલ્લેખ કર્યો છે જે મહિલાઓ માટે ગૌરવ અને જીવન સરળતા લાવે છે.


comments powered by Disqus