નવસારી: મૂળ નવસારી જિલ્લાના તલાવચોરાની યુવતીએ ‘વર્લ્ડ ઓફ રોબોટીક્સ’માં નામ રોશન કર્યું છે અને તેની બે શોધની તો પેટન્ટ પણ કરી દેવાઈ છે.
નવસારી જિલ્લાના તલાવચોરા ગામની મૂળ વતની અને અમદાવાદમાં ઉછરેલી રૂટા પરિમલ દેસાઈએ અમેરિકામાં રોબોટીક્સની શોધમાં નામ રોશન કર્યું છે.
અમેરિકાની મેટા રિયાલિટી લેબ્સમાં રિસર્ચ વૈજ્ઞાનિક અને મેનેજર તરીકે ફરજ બજાવતી રૂટા દેસાઈએ અન્ય અનેક ડિગ્રીઓ મેળવવા ઉપરાંત કારનેજી મેલોન યુનિવર્સિટીમાં ‘રોબોટીક્સ’માં પીએચડી કર્યું છે. તેણીએ ‘રોબોટ ડિઝાઈન ફોર એવરીવન-કમ્પ્યૂટેશનલ ટુલ્સ ધેટ ડેમોક્રેટાઈઝ રોબોટ ડિઝાઈન’ થીસીસ પર પીએચડી કર્યું છે. તેણીએ રોબોટીક્સમાં અનેક સંશોધન પેપરો રજૂ કર્યા છે. રોબોટીકમાં રૂટા દેસાઈના બે સંશોધન ‘જનરેટીવ ડિઝાઈન ટેકનિક્સ ફોર રોબોટ બિહેવિયર’ અને ‘રોબસ્ટ સ્વિંગ લેગ કંટ્રોલર અંડર લાર્જ ડિસ્ટર્બન્સ’ પેટન્ટ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે રૂટા દેસાઈએ પ્રારંભિક શિક્ષણ તો ગુજરાતમાં જ મેળવ્યું હતું. નીટ સુરતમાંથી ઈલેકટ્રોનિક્સ ઈજનેરીમાં બીટેકની ડિગ્રી મેળવી હતી. રૂટાના પિતા પરિમલ દેસાઈ હાલ અમદાવાદ-ગાંધીનગરમાં જ સરકારી સેવા સાથે જોડાયેલા છે.

