બારડોલી: સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને આર્થિક ઊર્જા પૂરી પાડતી સુમુલ ડેરીના તાપી જિલ્લાની બાજીપુરા યુનિટ ખાતે યોજાયેલા સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં કેન્દ્રિય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે સહકારિતાને વધુ મજબૂત કરવાનું કામ કર્યું છે. મોદીના પાંચ ટ્રિલિયનની ઈકોનોમીના સ્વપ્નને પૂરું કરવામાં સહકારી ક્ષેત્રનો ફાળો મહત્ત્વનો છે. પ્રાકૃતિક ખેતીથી ધરતી અને પર્યાવરણ ઉપરાંત દેશના 135 કરોડ લોકોનું સ્વાસ્થ્યનું પણ રક્ષણ થશે.
સુરત અને તાપી જિલ્લાની 1200થી વધુ દૂધ મંડળીના 2.75 લાખ પશુપાલકોને સંબોધતાં જણાવ્યું કે, આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીનાં 75માં વર્ષને સંકલ્પ વર્ષ મનાવવાનું નક્કી કર્યું છે. 25 વર્ષ પછી દેશ ક્યાં હશે? તેનો સંકલ્પ આ વર્ષે કરવાનો છે. અન્ય ક્ષેત્રોની સાથે સહકારી ક્ષેત્રને પણ મજબૂત કરવાનો સંકલ્પ કરી 100 વર્ષની ઊજવણી પ્રસંગે દુનિયાના સૌથી સમૃદ્ધ સહકારી દેશ બનાવવાનો નિર્ધાર કરવાનો છે. આ વખતે સરકારે સહકાર વિભાગને 900 કરોડનું અલાયદું બજેટ ફાળવ્યું છે. આનાથી સરકારના પાંચ ટ્રિલિયનની ઈકોનોમીના સ્વપ્ને સાકાર કરવામાં સહકારી ક્ષેત્રનું યોગદાન મહત્ત્વપૂર્ણ હશે. સહકારિતાની સાથે તેમણે પ્રાકૃતિક ખેતી પર પણ ભાર મૂકી જણાવ્યું કે, ધરતીમાતાની ફળદ્રુપતા ઘટી રહી હોઈ સરકારે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઉપાડ્યું છે. પ્રાકૃતિક ખેતી આપણા સૌનું લક્ષ્ય હોવું જોઈએ.

