અમદાવાદ: એક સમય એવો હતો જ્યારે ૧૦ કિમીનો રોડ બનાવવામાં મહિનાઓ પસાર થઇ જતા હતા. પરંતુ જેમ જેમ ટેકનોલોજીમાં બદલાવ આવતો ગયો તેમ તેમ રોડ નિર્માણમાં પણ ગતિ આવી. તેમાંય ભારત માલા દિલ્હી - મુંબઇ નેશનલ કોરિડોર અંતર્ગત પંચમહાલ જિલ્લામાંથી પસાર થઇ રહેલા માર્ગના નિર્માણમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આ ક્ષેત્રમાં ૫૦ કિમીનો રોડ માત્ર ૧૦૦ કલાકમાં બનાવાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આ યોજના અંતર્ગત પંચમહાલમાં ૨૨ કિમી જેટલો ૮ લેનનો કોરિડોર બનાવવાનો છે ત્યારે રોડ બનાવતી કંપની પીએનસી ઇન્ફ્રા દ્વારા ૪-૪ લેન મળીને ૫૦ કિમીનો માર્ગ બનાવવા એક માસથી તૈયારી ચાલી રહી હતી. કાલોલ તાલુકાના ભાદ્રોલી પાસેથી પસાર થતા કોરિડોર નિર્માણ માટે ૫૦૦ શ્રમિક અને ૧૫૦ મશીન સહિત વાહનોથી ૧૦૦ કલાકમાં ૪૨૬૬૬ મેટ્રિક ટન મટિરિયલ્સ વાપરીને 50.03 કિમીનો રોડ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. હાઇવે બનાવતી વખતે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ હાજર રહી હતી. શનિવારે બપોરે ૧૨.૩૦ કલાકે ૫૦.૦૩ કિમી માર્ગનું કામ પૂર્ણ થયું હતું. ૧૦૦ કલાકમાં ૫૦.૩ કિમી રોડનો રેકોર્ડ બનતાં અગાઉનો ૯૩ કલાકમાં ૨૦.૮ કિમી ૧૯ હજાર મે.ટન મટિરિયલથી બનેલા માર્ગનો રેકોર્ડ તૂટયો હતો.
અગાઉનો ૯૩ કલાકમાં ૨૦.૮ કિમી માર્ગનો રેકોર્ડ તોડ્યો
ઉત્તરપ્રદેશના બુંડેલખંડમાં અશોક બિલ્ડકોન દ્વારા માર્ગ બનાવાય છે. આ કંપની દ્વારા ૯૩ કલાકમાં ૧૯૭૫૬ ડામર મટિરિયલથી ૨૦.૮ કિમી માર્ગ બનાવીને વર્લ્ડ રેકોર્ડ કરાયો હતો. તેના ૪૫ કલાકમાં જ કાલોલ પાસે ૫૦ કિમીનો માર્ગ ૧૦૦ કલાકમાં બનાવીને રેકોર્ડ તોડ્યો હોવાનું પીએનસી કંપનીના અધિકારી દુરવેસ શર્માએ જણાવ્યું હતું.

