બે મહિનામાં બે ‘મેગા ઇવેન્ટ’ રદ થવાથી ૧ હજાર કરોડનું નુકસાન

Tuesday 15th March 2022 16:20 EDT
 

અમદાવાદઃ ગુજરાતમાં ૧૦ માર્ચથી શરૂ થનારા ડિફેન્સ એક્સ્પો 2022ને છેલ્લી ઘડીએ રદ કરી દેવાતાં ગુજરાતની હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. બે મહિનાના ગાળામાં વાઈબ્રન્ટ સમિટ અને ડિફેન્સ એક્સ્પો જેવી મેગા ઇવેન્ટ રદ થતાં હોટેલ, ટ્રાવેલ, કેટરિંગ, ડેકોરેશન, એવિએશન, ટૂરિઝમ જેવી ઈન્ડસ્ટ્રીને રૂ.૧,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું નિષ્ણાતો જણાવે છે. કેન્દ્ર સરકારે ડિફેન્સ એક્સ્પોની ૧૨મી એડિશન ગુજરાતમાં યોજવાનું નક્કી કર્યા બાદ ૧૦થી ૧૪ માર્ચ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદના વિવિધ સ્થળો પર તેનું આયોજન કરાયું હતું જેમાં અમેરિકા, રશિયા, ઇઝરાયેલ, યુકે, જાપાન, કોરિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા સહિત ૭૦થી વધુ દેશોનાં ૧૦૨૮જેટલા એક્ઝિબિટર્સ ગુજરાત આવવાનાં હતાં. એક અંદાજ મુજબ ૧૨ લાખથી વધુ લોકો ડિફેન્સ એક્સ્પોની મુલાકાત લે તેવી શક્યતા હતી. જો કે રશિયા-યુક્રેન યુદ્ધની તંગદિલી વચ્ચે લોજિસ્ટિક્સ કારણોસર આ ઇવેન્ટને રદ કરાઇ હતી. જેથી ગુજરાતની હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને બમણો માર પડ્યો હતો. એક્સ્પોને પગલે અમદાવાદ સહિત ગાંધીનગરની થ્રી-સ્ટારથી માંડી ફાઈવ સ્ટાર હોટેલો વિદેશી મહેમાનો માટે બુક કરી દેવામાં આવી હતી.


comments powered by Disqus