અમદાવાદઃ પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરી દીધી છે. તો બીજી તરફ પીએમ મોદીએ રાજકીય સોગઠાં પણ ગોઠવી દીધાં છે. પ્રદેશ સંગઠન દ્વારા બોર્ડ નિગમ માટે 59 નામોની યાદી તૈયાર કરાવી દીધી હોવાનું સામે આવી રહ્યું છે.
પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે અને બીજેપીને ઈલેક્શન મોડમાં લાવી દીધા છે. મોદી 2 દિવસના પ્રવાસ દરમિયાન અનેક સંગઠનાત્મક કામગીરીને પણ આખરી ઓપ આપી દીધો હોવાની માહિતી સામે આવી રહી છે. મોદી સીએમ બન્યા ત્યારબાદથી જ બોર્ડ-નિગમના અધિકારીઓના હવાલે કરી દીધા હતા હવે ફરી વખત બોર્ડ નિગમમાં કાર્યકર્તાઓ અને નેતાઓને સમાવવા કવાયત શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે પ્રદેશ બીજેપીએ તમામ જિલ્લામાંથી નામ મંગાવ્યા હતા તે પૈકીના 59 નિગમ માટેની પહેલી યાદી તૈયાર કરી દીધી હતી.
સૂત્રો કહી રહ્યા છે કે આ યાદી પીએમ મોદી સામે રાખવામાં આવી હતી જેને મોદીએ ક્લિયર કરી દીધી છે. આ યાદીમાં ઘણા એવા નામો સમાવવામાં આવ્યા છે જે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે પણ તેને પાર્ટીમાં મહત્ત્વનું સ્થાન મળ્યું નહોતું. આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે જેને ધ્યાને લઈને તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ નિમણૂંક થશે તે તમામ ચેરમેનને નિમણૂંક બાદ તુરંત જ કામે લગાવી દેવાશે. જે યાદી નક્કી કરવામાં આવી છે તેમાં ઘણા એવા નેતાના નામ છે કે જે સામાજિક પ્રભુત્વ ધરાવતા હોય છે. સાથે જ ઘણા વર્ષોથી પાર્ટી માટે કામ કરતા હોય તેને સ્થાન આપવામાં આવશે.
