અમદાવાદઃ કોરોનાકાળમાં લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની સાથે જ કોઈપણ જાતની હાલાકી ન પડે તેને ધ્યાને રાખી અમદાવાદ એરપોર્ટ પર અનેક નવી પેસેન્જર સુવિધા શરૂ કરાઇ છે. જેમાં બોર્ડિંગ પાસ માટે તેમજ લગેજ બેગ પર લગાવાતા ટેગ માટે પેસેન્જરોને લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળે તે માટે એરપોર્ટ ટર્મિનલમાં ચેકઈન કરવા ૧૨ જેટલા કોમન યુઝ સેલ્ફ સર્વિસ (સીયુએસએસ) કિઓસ્ક લગાવ્યા છે. બોર્ડિંગ પાસ લીધા બાદ સિક્યોરિટી ચેક એરિયામાં સુરક્ષા જવાનો બોર્ડિંગ પાસ હાથમાં લીધા વગર ચેક કરી શકે તે માટે ઈ-ગેટ્સ મશીનો લગાવ્યા છે. જેમાં બોર્ડિંગ પાસ સ્કેન થતાં જ ગેટ ખુલી જશે અને પેસેન્જર સીધા સિક્યોરિટી ચેક કરાવી સિક્યોરિટી હોલ્ડ એરિયામાં પહોંચી જશે. કોરોનાકાળમાં એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (એએસક્યુ)ના માનકો પૂરા કરવા માટે અમદાવાદ એરપોર્ટને શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ એનાયત કરાયો છે.
કોમર્શિયલ વાહનો પેસેન્જરને લેવા ટર્મિનલ સુધી નહીં જઇ શકે
અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ટી-૧ પર બહારથી આવતા પેસેન્જરોને લેવા પ્રાઈવેટ વાહનોની સાથે કોમર્શિયલ વાહનો એરાઈવલ ગેટ સુધી આવતા હતા. હવે એરપોર્ટ મેનેજમેન્ટે એરાઈવલ ગેટથી શેડ તેમજ વોકવે તૈયાર કરવાની સાથે પિકઅપ પોઈન્ટ ઊભો કર્યો છે. કોમર્શિયલ ટેક્સી અને રિક્ષા જેવા વાહનો ટર્મિનલ સુધી નહીં જઈ શકે. પેસેન્જરોને એરાઈવલ ગેટ પર મુકવામાં આવેલા ટેક્સી તેમજ રિક્ષા બુથ પરથી બુકિંગ કરાવી પિકઅપ પોઈન્ટ સુધી જવું પડશે. આમ પેસેન્જરોને ૧૦૦ થી ૧૫૦ મીટર સુધી ચાલવું પડશે.
