ભારત કેન્દ્રિય શિક્ષણ નીતિથી દેશને વિશ્વગુરૂ તરીકે સમર્થ બનાવાયઃ દત્તાત્રેય હોસાબાલે

Tuesday 15th March 2022 16:16 EDT
 

અમદાવાદઃ સ્વતંત્રતા આંદોલનની સૌથી મોટી વિશિષ્ટતા એ હતી કે એ ફક્ત રાજકીય નહીં પણ રાષ્ટ્ર જીવનના તમામ આયામો-સમાજના તમામ વર્ગોના સહભાગથી થયેલું સામાજીક-સાંસ્કૃતિક આંદોલન હતું તેમ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરકાર્યવાહક દત્તાત્રેય હોસાબાલેજીએ જણાવ્યું છે.
આ સાથે તેમણે ઉમેર્યું છે કે આઝાદીના અમૃત મહોત્સવ પર એ જરૂરી છે કે વિદ્યાર્થીઓ-યુવાનોને જોડીને, ભારત કેન્દ્રિત શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ દ્વારા ભારતને એક જ્ઞાાન સંપન્ન સમાજના રૂપમાં વિકસિત-સ્થાપિત કરવામાં આવે તેમજ ભારતને વિશ્વગુરૂની ભૂમિકા નિભાવવા માટે સમર્થ બનાવવામાં આવે.
અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો આજે બીજો દિવસ હતો. આ પ્રસંગે સરકાર્યવાહક દત્તાત્રેય હોસબાલેજી 'આઝાદીના અમૃત મહોત્સવ' અંગે જારી કરેલા કરેલા નિવેદનમાં જણાવ્યું કે, 'આ સ્વતંત્રતા આંદોલનને રાષ્ટ્રના મૂળ અધિષ્ઠાન એટલે કે રાષ્ટ્રીય ''સ્વ''ને ઉજાગર કરવાના નિરંતર પ્રયાસમાં જોવું પ્રાસંગિક બની રહેશે.
અંગ્રેજોએ ભારતીયોની એકત્વની મૂળ ભાવના પર આઘાત કરી માતૃભૂમિ સાથેનો તેમનો ભાવનાત્મક-આધ્યાત્મિક સંબંધને દુર્બળ કરવાનું કાવતરૂં ઘડયું હતું. તેમણે આપણી સ્વદેશી અર્થવ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, આસ્થા, વિશ્વાસ અને શિક્ષણ પદ્ધતિ પર પ્રહાર કરીને સ્વ-આધારિત તંત્રને હંમેશ માટે ખતમ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ભારતના સ્વતંત્રતા આંદોલનમાં આ કારણોથી ‘સ્વ’ની પ્રેરણા ક્રમશ: ક્ષીણ થતી ગઇ. જેના પરિણામે દેશને વિભાજનની પીડાનો સામનો કરવો પડયો હતો. સ્વતંત્રતા બાદ આ ‘સ્વ’ની ભાવનાને રાષ્ટ્રજીવનના તમામ ક્ષેત્રમાં અભિવ્યક્ત કરવાનો સુઅવસર કેટલો શક્ય થયો તેનું આકલન કરવાનો આ યોગ્ય સમય છે.
સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ભારતીય સમાજને એક રાષ્ટ્રના રૂપમાં સૂત્રબદ્ધ રાખવા-રાષ્ટ્રને ભવિષ્યના સંકટોથી સલામત રાખવા માટે ‘સ્વ’ પર આધારીત જીવનદ્રષ્ટિ દ્રઢ સંકલ્પ સાથે પુન:સ્થાપિત કરવાની દિશામાં પૂર્ણ પ્રતિબદ્ધ થવાનો અવસર ઉપલબ્ધ કરાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આપણે આપણા ‘સ્વ’ના પુન: અનુસંધાનનો સંકલ્પ લેવો જોઇએ.'


comments powered by Disqus