ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા મહુડી ખાતે ત્રિદિવસીય યુવા ક્રાંતિ બુનિયાદી પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી છે. કોંગ્રેસની આ શિબિરમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ સંબોધન કર્યું હતું. જોકે આ સંબોધનમાં કોઈ વાંધો આવ્યો ન હતો, પણ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે સંબોધન શરૂ કરતા જ કેટલાક યુવાનો ઊભા થઈને ચાલવા લાગ્યા હતા. પરિણામે હાર્દિકે સંબોધન ટૂંકાવવું પડ્યું હતું.
યુથ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી શિબિરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા યુવાનોને બુનિયાદી શિક્ષણ આપવાના હેતુથી રાજ્યભરમાંથી યુવાનોને બોલાવવામાં આવ્યા છે. આ શિબિરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટેનો પ્રસ્તાવ યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પક્ષના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સંબોધન કરતા યુવાનો ચાલતા થયા હતા, જેથી હાર્દિકે સંબોધન ટૂંકાવીને સમારોહમાંથી વિદાઈ લીધી હતી.

