વિશ્વનું પ્રથમ ડબલ્યુએચઓ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન જામનગરમાં

Tuesday 15th March 2022 13:26 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના જામનગરમાં વિશ્વના પ્રથમ ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવશે. આ સેન્ટર માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે આ પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર હશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટરને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આયુષ મંત્રાલય હેઠળ આ સેન્ટરની સ્થાપના થશે.
જામનગરમાં સ્થાપનારું આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે, તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.
એટલું જ નહિ, આ સેન્ટર પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. વડાપ્રધાને આ અગાઉ નવેમ્બર 2020માં જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ તરીકે જાહેર કર્યું છે.


comments powered by Disqus