ભુજ: ભારત પાકિસ્તાનની કચ્છની સંવેદનશીલ સરહદના સિરક્રીક પાસેની લખપતવાળી ક્રિકમાંથી એક પાકિસ્તાની માછીમારી બોટ બીએસએફ દ્વારા પકડી પાડવામાં આવી છે. જોકે, પાકિસ્તાની માછીમારો દલદલ વિસ્તારમાંથી પાકિસ્તાન તરફ ભાગી છૂટ્યા હતા. સીમા સુરક્ષા દળ દ્વારા જારી કરાયેલી વિગતો મજુબ સિરક્રીક નજીકની લખપતવાળી ક્રીકમાં પાકિસ્તાની માછીમારી બોટ ફરતી હોવાનું જણાયું હતું. આ દરમિયાન બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી તરત એ વિસ્તારમાં પહોંચી હતી અને માછીમારીના હોડકાને જપ્ત કર્યું હતું. આ દરમિયાન માછીમારો કાદવવાળી જગ્યામાંથી પાકિસ્તાન તરફ ભાગી છૂટ્યા હતા. બોટમાંથી માછલી પકડવાની જાળ, ખાવાનું બનાવવાના સાધનો, પીવાનું પાણી મળી આવ્યા હતા.
મુંદ્રા મરિન પોલીસે 21 બિનવારસુ બોટ પકડી
ગેરકાયદેસર રીતે માછીમારી કરતી ટ્રોલર બોટ સાથે સાત માછીમારોને પકડી પાડી અને ૨૧ જેટલી બિનવારસુ બોટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને મુંદ્રા મરિન પોલીસે સપાટો બોલાવી દીધો છે.
બનાવની વિગતો આપતાં મુદરા પરિન પોલી સ્ટેશન પી.સી.આઈ જી.વી. વાણિયાએ જણાવ્યું હતું કે, દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી કોસ્ટલ એરિયામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના હેતુ સાથે મુંદ્રા મરિન પોલીસની ટીમ કોસ્ટલ એરિયામાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે અદાણી વેસ્ટ પાર્ટથી આગળ 10 નોટિકલ માઈલ દરિયામાં બોટ ચેકિંગ દરમિયાન ટ્રોલર બોટ નામે ‘અલ તહસીન’ રજિ. નં. જી.જે. 10-એમ.એમ. 1455 વાળી મળી આવતા જેમાં કુલ 7 માછીમારો મળી આવતાં તેની અટક કરી લેવામાં આવી છે. ઉપરાંત અદાણી વેસ્ટ પોર્ટથી આગળ જતાં ખુલ્લા દરિયામાં બોટ ચેકિંગ દરમિયાન 21 જેટલી બોટો બિનવારસુ હાલતમાં મળી આવી હતી.
