લંડનઃ 89 વર્ષીય કૌશિકભાઈ દાદુભાઈ પટેલ ભારતમાં તેમના વતન નડિયાદની મુલાકાત લઈને હમણાં જ લંડન પરત ફર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે અમદાવાદમાં એર ઈન્ડિયાના સ્ટાફે તેને વારંવાર હેરાન કર્યા. તેણે કોઈ કારણ વગર વધારાના ચાર્જ ચૂકવવા પડ્યા છે.
કૌશિકભાઇએ ગુજરાત સમાચારને અત્યંત પીડા સાથે વિગતવાર જણાવ્યું હતું, ‘27 ડિસેમ્બરે જવાની અને 26 જાન્યુઆરીએ પરત ફરવાની ટિકિટ 820 પાઉન્ડમાં બૂક કરાવી હતી. 27 ડિસેમ્બરે ફ્લાઇટ 9 કલાક લેટ હતી ને બીજા 10 કલાકની સફર... પણ માદરે વતનની માટીની સુવાસથી મનમાં નવા ઉમંગનો સંચાર થયો. તબિયત સારી હતી, મન પ્રસન્ન હતું. ત્યાં વધારે રહેવાનું મન થયું. એર ઈન્ડિયા દ્વારા જણાવાયું હતું કે, ‘એક વખત ટિકિટની તારીખ ફ્રીમાં બદલી શકાશે તો મેં વિચાર્યું, ચાલો હજી એક મહિનો વધારે રહીએ.’
કૌશિકભાઇ કહે છે, ‘ટિકિટની તારીખ બદલાવવા વડોદરા એર ઈન્ડિયા ઓફિસ ગયા તો જાણવા મળ્યું કે 206 પાઉન્ડ ભરવા પડશે. આ વધારાની ફી આપીને પહેલી માર્ચની ટિકટ બૂક કરાવી. આ તારીખે હું અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો ત્યારે એર ઈન્ડિયાના સ્ટાફે કહ્યું કે ઓક્સિજન કોન્સેંટ્રેટર સાથે તમે બોર્ડ ના કરી શકો. મેં કહ્યું કે લંડનમાં એર ઈન્ડિયાના સ્ટાફે મંજૂરી આપી છે તો તમે કેમ ના પાડો છો? તો જવાબ મળ્યો કે લંડનના સ્ટાફને કંઇ ખબર નથી પડતી.
મારી જોડે એક બહેન હતાં જેઓ ક્વોલિફાઇડ મિડવાઇફ છે એમણે કહ્યું કે તેઓ મારી સંપૂર્ણ જવાબદારી લે છે. ત્યાર પછી એર ઈન્ડિયાના સ્ટાફે નવી ડિમાન્ડ કરી કે અમારે ડોક્ટરનો લેટર જોઇએ. મેં યુકેના ડોક્ટરનો લેટર બતાવ્યો તો કહ્યું કે આ ના ચાલે. ઈન્ડિયાના ડોક્ટરનો જ જોઇયે.
એર ઈન્ડિયાના સ્ટાફે મને બોર્ડ કરવાની ધરાર ના પાડી દીધી. ટિકિટ કેન્સલ કરી નાંખી અને કહ્યું નવી ટિકિટ ખરીદવી પડશે. પછી હું નડિયાદ ગયો, ડોકટરને મળ્યો, મેડિકલ સર્ટી કઢાવ્યું. ત્રીજી માર્ચે ફરી અમદાવાદ ગયા. ત્યાં કહ્યું કે આ વધુ એક ફોર્મ ભરો અને ડોક્ટરની સહી કરાવીને લાવો. ફરી નડિયાદ જઈને પાછા એર ઈન્ડિયા પાસે અમદાવાદ આવ્યા તો જવાબ મળ્યો - મુંબઈમાં ડોક્ટરને મોકલવું પડશે. ત્યાં મોકલ્યું અને 8 માર્ચે અપ્રૂવલ આવ્યું. બીજા દિવસે ફરી ટિકિટ બૂક કરવા ગયા. ત્યાં કહેવામાં આવ્યું કે તમારી જૂની ટિકિટ કેન્સલ થઈ ગઇ છે. નવી ટિકિટ 1085 પાઉન્ડની છે. કોઇ વિકલ્પ ના દેખાતા 12 માર્ચની બૂક કરી, પણ 11 માર્ચ બપોરે ફોન આવ્યો કે પ્લેનમાં તમારા માટે જગ્યા નથી, પ્લેનમાં ઓક્સિજન નથી. મેં કહ્યું કે મારી પાસે મશીન છે. પ્લેનના ઓક્સિજનની જરૂર નથી. તેમ છતાં ના પાડી અને કહ્યું કે 15 માર્ચે ટ્રાવેલ કરો.’ કૌશિકભાઇએ જણાવ્યું કે ‘વારંવાર અપમાન સહન કરવું પડ્યું, ધક્કા ખાવા પડ્યા, ટિકિટની વધારાની કિંમત ચૂકવી, ડોક્ટરની ફી... બધું મારા ખર્ચે કરવું પડ્યું. મારો કોઇ વાંક નહોતો. એર ઈન્ડિયાએ કોઇ ફેસિલિટી આપી નથી. 89 વર્ષની ઉંમરે આ જ જોવાનું બાકી હતું? 15 માર્ચે જ્યારે પાછા લંડન એરપોર્ટ પહોંચ્યા ત્યારે 3 કલાકે વ્હીલચેર આવી.’
કૌશિકભાઇના પુત્રી બીનાબહેન પટેલે જણાવ્યું કે તેઓ આ બાબતે સિવિલ એવિએશન ઓથોરિટીને ફરીયાદ કરશે. ‘મારા પાપાને વિનાકારણ હેરાનગતિ થઈ છે અને વધારાના 1291 પાઉન્ડ લેવામાં આવ્યા છે, જે ખરેખર આપવાના હતા જ નહીં.’
આ મામલે અમે એર ઈન્ડિયાનો સંપર્ક કરતાં અમદાવાદની ટીમે જવાબ આપ્યો, ‘એર ઈન્ડિયા પેસેન્જરે 1 માર્ચ 2022ના રોજ કાઉન્ટર પર લંડનના ડોક્ટરના રિપોર્ટ્સ સાથે રિપોર્ટ કર્યો હતો. 7 દિવસથી જૂનો રિપોર્ટ નિયમ અનુસાર માન્ય નથી, તે પણ ખાસ કરીને જ્યારે પેસેન્જરને મેડિકલ કન્ડિશન હોય અને ઓક્સિજનની જરૂર હોય. અમારે કેસને અમારા મેડિકલ વિભાગમાં મોકલવો પડ્યો. એરક્રાફ્ટની સલામતી મુજબ અમે 6થી વધુ ઓક્સિજનની બોટલ ઉપાડી શકીએ નહીં. શ્રી પટેલની સલામતી માટે ઓનબોર્ડ ઓક્સિજનની બોટલો જરૂરી હતી, જે 15મી માર્ચ 22ના રોજ તેમની મુસાફરી દરમિયાન ગોઠવાઇ હતી. અમારી અમદાવાદની ટીમે શ્રી પટેલના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાધાન્ય આપ્યું છે. કોઈ પણ અસુવિધા માટે અમે ખૂબ જ દિલગીર છીયે.’

