પાલનપુર: જૂનાગઢના ગીરનારની લીલી પરિક્રમાની થીમ પર અંબાજીમાં આવેલ ગબ્બર પર્વતમાં બનાવેલા શ્રી ૫૧ શક્તિપીઠની પરિક્રમા યોજાશે. અંબાજી ખાતે ૮થી ૧૦ એપ્રિલ દરમિયાન શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાનાર છે. જેના ઉપલક્ષ્યમાં પરિક્રમાની વ્યવસ્થા માટે ૧૪ સમિતિઓની રચના કરાઇ છે. સવારે ૬થી સાંજે ૭ વાગ્ય સુધી પરિક્રમાની વ્યવસ્થા ઉપરાંત મહાઆરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન પણ કરવામાં આવનાર છે.
અંબાજીમાં આગામી તા. ૮,૯ અને ૧૦ એપ્રિલના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ ગબ્બર તળેટી ખાતે યોજાશે. સમગ્ર આયોજન અંગેની વિગતો આપતાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ જણાવ્યું કે, યાત્રાધામ અંબાજી ખાતે દેશ અને વિદેશમાં અલગ- અલગ જગ્યાએ આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યમંત્રીઅને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યું હતું. લીલી પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે પૂનમના મેળાની સમિતિઓ બનાવાઇ છે.

