ગોવાના મુખ્યમંત્રીપદે પ્રમોદ સાવંતની બીજી વખત વરણીઃ યુપીમાં સીએમ પદે યોગીના શપથ

Tuesday 29th March 2022 15:49 EDT
 
 

નવીદિલ્હી: ગોવાના મુખ્યમંત્રી પદે પ્રમોદ સાવંતની બીજી વખત શપથવિધિ યોજવામાં આવી હતી. ચૂંટણી પરિણામો પ્રસિદ્ધ થયા પછી ૧૮ દિવસે યોજાયેલી આ શપથવિધિ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત નીતિન ગડકરી અને રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ શપથવિધિમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ભાજપના પ્રમુખ નડ્ડા, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ હાજર હતા.
આ શપથવિધિ સમારોહ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના શપથવિધિ સમારોહ પછીના વિશાળ મેદની ખેચંનારો શપથવિધિ સમારોહ બની રહ્યો હતો. આદિત્યનાથનો શપથવિધિ યોજાયો ત્યારે 70 હજારની જનમેદની ઉપસ્થિત રહી હતી તે સર્વવિદિત છે. શપથવિધિ પૂર્વે સાવંતે ગોકર્ણેશ્વર મહાદેવના મંદિરમાં પૂજન અર્ચન કર્યા હતા.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી અપાવનારા યોગી આદિત્યનાથે શુક્રવારે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. યોગી આદિત્યનાથ સાથે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે નાયબ મુખ્યમંત્રી તરીકે તેમજ અન્ય 50 મંત્રીઓએ શપથ લીધા હતા. યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પક્ષપ્રમુખ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત 12 રાજ્યોના મુખ્યમંત્રી અને અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. લખનઉના શહીદ પથ નજીક સ્થિત ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમમાં આયોજિત શપથ ગ્રહણ સમારંભમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ૪૯ વર્ષીય યોગી આદિત્યનાથને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. આ સાથે યોગી આદિત્યનાથે દેશના સૌથી વધુ વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઈતિહાસ રચી દીધો છે. તેઓ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી સતત બીજી વખત સીએમ બનનારા સૌપ્રથમ નેતા છે.
રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથ સાથે 16 કેબિનેટ મંત્રી, 14 રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 20 રાજ્યમંત્રી સહિત 50 મંત્રીઓએ પણ પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. અગાઉની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા કેશવપ્રસાદ મૌર્ય ચૂંટણી હારી જવા છતાં તેમનું કદ જાળવી રખાયું છે જ્યારે કાયદા મંત્રી રહેલા બ્રજેશ પાઠકને બઢતી આપીને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડો. દિનેશ શર્માને આ કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.


comments powered by Disqus