નવીદિલ્હીઃ આયુષ મંત્રાલયે ભારતમાં પરંપરાગત ઓષધિ અને સારવાર પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના જામનગર ખાતે વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્ર (ડબ્લ્યૂએચઓ ગ્લોબલ સેન્ટર)ની સ્થાપના માટે મંજૂરી આપી દીધી છે. તે હેતુસર મંત્રાલયે એક કાર્યક્રમનું આયોજન કરીને વિશ્વ આરોગ્ય સંગઠન સાથે અનેક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે. ગ્લોબલ સેન્ટર શરૂ થતાં પરંપરાગત ઔષધિ અને સારવાર પદ્ધતિને વૈશ્વિક મંચ પર નવી ઓળખ મળશે અને વૈશ્વિક આરોગ્ય મોરચે નેતૃત્વ કરવાની દેશને તક મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સમજૂતી પછી ખુશી જાહેર કરતાં જણાવ્યું હતું કે પરંપરાગત સારવાર પદ્ધતિનું વૈશ્વિક કેન્દ્ર બનીને ભારત ગૌરવનો અહેસાસ કરશે. ભારતની પરંપરાગત ઔષધિઓ વિશ્વમાં લોકપ્રિય થઈ રહી છે. ટ્વિટ કરીને તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ડબ્લ્યૂએચઓ કેન્દ્ર પૃથ્વીને એક તંદુરસ્ત ગ્રહ બનાવવા અને આપણી સમૃદ્ધ પરંપરાગત સારવાર પદ્ધતિને જીવંત રાખવામાં યોગદાન આપશે. કેન્દ્રીય આયુષ પ્રધાને જણાવ્યું હતું કે જામનગર ખાતે ઊભું થનારું કેન્દ્ર વિશ્વ આરોગ્ય સંગઠનનું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર બની રહેશે. ડબ્લ્યૂએચઓ સાથે થયેલી આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન, ઉપેક્ષિત રોગો, જ્વલ્લે જ થતી બીમારી સહિતના પરસ્પરના હિતો માટે તબીબી વિજ્ઞાન અને આરોગ્ય સંશોધન મોરચે સહયોગ વધારવાનો છે.

