કોલકાતાઃ પશ્ચિમ બંગાળના બીરભૂમ હિંસામાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે. સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆરમાં 21 લોકોના નામ દાખલ કર્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે 70થી 80 લોકોનાં ટોળાંએ પીડિતોના ઘરમાં તોડફોડ કરી હતી. ટોળાંએ નવ લોકોને ઘરમાં બંધ કરીને ઘરને આગ લગાવી દીધી હતી. જેમાં તમામ લોકોનાં મોત થયાં હતા. સીબીઆઈએ જે લોકોને આરોપી બનાવ્યા છે, તેમાં મોટાભાગના સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો છે. આ પહેલાં કલકત્તા હાઇકોર્ટે એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા હતા. અને સીબીઆઈને નિર્દેશ આપ્યો હતો કે તે આગામી 7 એપ્રિલ સુધીમાં કેસનો રિપોર્ટ સોંપે.
કોર્ટના આદેશ બાદ સીબીઆઈની 20 સભ્યોની ટીમ આજે બીરભૂમના રામપુરહાટ ગામે ઘટનાસ્થળે પહોંચી હતી અને તેણે તે ઘરની મુલાકાત લીધી હતી. જ્યાંથી 7 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. સીબીઆઈનું કહેવું હતું કે અમે ઘટનાની યુદ્ધના સ્તરે તપાસ કરી રહ્યા છીએ. કોર્ટે ટીમને રિપોર્ટ આપવા માટે નક્કી સમય આપ્યો છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે ટીએમસી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં થયેલી હિંસાને લઈને ગૃહમાં મામલો ઉગ્ર બન્યો હતો. મારમારીમાં ભાજપના વિધાયકોના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતાં. ભાજપે આરોપ મૂક્યો હતો કે જ્યારે તેમણે બીરભૂમ મામલે વિધાનસભામા ચર્ચાની માગણી કરી ત્યારે ટીએમસીના ધારાસભ્યોએ મિજાજ ગુમાવ્યો હતો. અને તેમના ઉપર હુમલો કર્યો હતો.

