બાબાસાહેબના સંકલ્પને પૂર્ણ કરવો એ સૌ જનપ્રતિનિધિઓની સામૂહિક જવાબદારીઃ રાષ્ટ્રપતિ

Tuesday 29th March 2022 15:09 EDT
 
 

ગાંધીનગર: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 14મી ગુજરાત વિધાનસભા વિશેષ સત્રને સંબોધતા તેમણે લોકતાંત્રિક મૂલ્યો, સ્વતંત્રતાની ચળવળથી લઈને આધુનિક ભારતના નિર્માણમાં જેમનું અગ્રીમ યોગદાન રહેલું છે તેવા અનેક ગુજરાતીઓનું સ્મરણ કર્યું હતું. તેમણે ડો. બાબાસાહેબના સમાનતાના સંકલ્પને પૂર્ણ કરવા સૌ જનપ્રતિનિધિઓની સામૂહિક બંધારણીય જવાબદારી હોવાનું સૂચન પણ કર્યું હતું. ગૃહમાં 25 મિનિટના સંબોધનમાં દર ચોથી-પાંચમી મિનિટના સંબોધનમાં પાટલી થપથાવી મહામહિમનું અભિવાદન કરતા ધારાસભ્યો અસ્પૃશ્યતા અને ભેદભાવને દૂર કરવાના સૂચન વખતે શાંત રહેલા રાષ્ટ્રપતિ કોવિંદને ‘અબ ક્લેપિંગ નહીં કરોગે’ એમ કહેવું પડ્યું હતું. રામનાથ કોવિંદે કહ્યું હતું કે ભારતના બંધારણના પ્રમુખ શિલ્પી બાબસાહેબ ડો. ભીમરાવ આંબેડકરની અસાધારણ જીવન યાત્રામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. વડોદરામાં જ તેમણે અસ્પૃશ્યતા અને ભેદભાવનો અંત લાવવા સંકલ્પ લીધો હતો. સમાનતાના આ ઐતિહાસિક સંકલ્પને પૂર્ણ કરવાની સામૂહિક બંધારણીય જવાબદારી આપના સૌની છે. 19મી સદીના છેલ્લા દાયકાઓમાં દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મહેતા જેવી હસ્તીઓએ ભારતીયોના અધિકારો માટે ઉઠાવેલા અવાજનું સ્મરણ કરતા તેમણે સ્વતંત્રતાના આ સંઘર્ષને ગુજરાતના લોકોનો સતત સહકાર મળ્યાનું જણાવી મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તે ભારતની આઝાદીમાં પરિણમ્યાનું કહ્યું હતું.


comments powered by Disqus