નવીદિલ્હીઃ ભારતની શસ્ત્ર નિકાસમાં વર્ષ 2014ને મુકાબલે વર્તમાન નાણાકીય વર્ષમાં છ ગણો વધારો નોંધાયો છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતે રૂપિયા 11,607 કરોડના શસ્ત્રોની નિકાસ કરી છે. લોકસભામાં સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2014-15 થયેલી 1941 કરોડની શસ્ત્ર નિકાસને મુકબલે 21 માર્ચ 2021 સુધીમાં રૂપિયા 11607 કોરડની સંરક્ષણ નિકાસ થઈ છે. સરકારે સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધારવા અનેક સુધારાત્મક પગલાં લીધાં હતા. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને સરળ બનાવવામાં આવી હતી. એ ઉપરાંત શસ્ત્ર નિકાસની તકો પર નજર રાખીને ગ્લોબલ ટેન્ડરમાં ભાગ લેવા માટે ડીઆરડીઓ અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના સીએમડીને પણ સત્તા સોંપવામાં આવી હતી. સરકારે વર્ષ 2025 સુધીમાં 36500 કરોડની શસ્ત્ર નિકાસનું લક્ષ્ય નક્કી કરેલું છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂઝ મિસાઈલ પૂરા પાડવા માટે 2770 કરોડની નિકાસ સમજૂતિ પર હસ્તાક્ષર થયા હતા.

