સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Tuesday 29th March 2022 15:12 EDT
 

• માત્ર પેપર નહીં સરકાર જ ફૂટી ગઈઃ વિધાનસભામાં ધાંધલઃ રવિવારે લેવાયેલી વન સંરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટી જવાનો મુદ્દે વિપક્ષે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી ભારે સૂત્રોચ્ચાર કરતાં વિધાનસભા ગૃહ પંદરેક મિનિટ સુધી મુલતવી રહ્યું હતું. આ ઉપરાંત વિરોધ પ્રદર્શન કરી રહેલા વિપક્ષના ધારાસભ્યોને ટીંગાટોળી કરી સાર્જન્ટો ગૃહની બહાર લઈ ગયા હતા. પેપરલીકનો મામલો આજે વિધાનસભા ગૃહમાં ગાજ્યો હતો. પ્રશ્નોત્તરી કાળ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં બેરોજગારો સાથે મજાક બંધ કરો, પેપર ફૂટ્યું નથી, સરકાર જ ફૂટી ગઈ છે તેના સૂત્રો પોકાર્યા હતા. અધ્યક્ષે વારંવાર ટકોર કરી હોવા છતાંયે કોંગ્રેસના ધારાસભ્યો છેક વેલ સુધી ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને ગૃહ ગજવી મૂક્યું હતું.
• રાષ્ટ્રપતિ રામનવમીએ દ્વારકામાં, મણિપુરના સીએમને પણ આમંત્રણઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફરથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે તેઓ ૧૦મી એપ્રિલને રવિવારે દ્વારકા સ્થિત જગતમંદિરના દર્શને જશે અને આ દિવસે પોરબંદરના માધવપુરમાં શરૂ થતા રૂક્ષ્મણી વિવાહના મેળાનો પણ આરંભ કરાવશે. આ પ્રસંગે ભાતના પૂર્વોત્તર રાજ્ય મણિપુર અને આસામના મુખ્યમંત્રીઓ સહિતના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
• બીટીપીના અધ્યક્ષ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને મળ્યાંઃ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા વચ્ચે બેઠક યોજાઈ હતી. ગુજરાતના આદિવાસી સમાજમાં બીટીપીના નેતા છોટુ વસાવા અને મહેશ વસાવા મજબૂત વર્ચસ્વ ધરાવે છે ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજનો ટેકો મેળવવા આમ આદમી પાર્ટી બીટીપી સાથે ગઠબંધન કરે તો નવાઈ નહીં.
• અમિત શાહની પક્ષના નેતાઓને સલાહ - હવે એવું કામ કરો કે જોડતોડ કરવી પડે નહીંઃ ગાંધીનગરના સાંસદઅને ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત અને સરદાર ગાના નવિનીકરણના આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પાલિકામાં ચૂંટાયેલા ભાજપના નેતાોને તેમે ‘પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે. તો બાકીના સમયમાં એવું કામ કરજો કે આવતી વખતે તોડફોડ કરવી પડે નહીં’ શીખામણ આપતા તેમણે કહ્યું કે ‘નગરપાલિકામાં કમળ ખિલવ્યું છે તો કલોલને પણ કમળ જેવું બનાવવાની જવાબદારી મારી છે. ભલે ધારાસભ્ય ભાજપના નથી પણ પ્રજાના કામો કરતા રહીશું’ શાહે સાંસદ અને પાલિકાની વચ્ચે ખાલી પડેલું વિધાનસભાનું ખાનું ભરવા પણ ટોકર કરી હતી.
• અમદાવાદમાં કાયદાના નામે એનઆરઆઈ પાસેથી પોલીસે જ રૂ. 40 હાજર લૂંટી લીધાઃ એક એનઆરઆઈ અમદાવાદ એરપોર્ટ વડોદરા એક્સપ્રેસ-વે જઈ રહ્યા હતા ત્યારે રિંગરોડ પોલીસે ચેકિંગ માટે વાહન રોક્યું હતું. આ દરમિયાન પોલીસે દારૂ હોવાની પૂછપરછ કરતા એનઆરઆઈ બે દારૂની બોટલ હોવાનું સ્વીકાર કર્યો હતો. જેની પાસે પોલીસે કાયદાનો ડર બતાવ્યો હતો અને સમાધાન પેટે 2500 ડોલર કે જેની ભારતીય ચલણમાં કિંમત 1.90 લાખ જેટલી થાય તે જેનો એનઆરઆઈને સ્કૂટર પર લઈ ચાર એટીએમમાંથી 40 હજાર રૂપિયા ઉપાડવાની ફરજ પાડી હતી.
• બેન્ક કૌભાંડમાં વોન્ટેડ ઉદ્યોગપતિ 10 વર્ષે વિદેશથી આવતાં પકડાયોઃ દસ વર્ષ પહેલાં કેનેરા બેંક સાથે રૂ. 20.68 કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ ઉદ્યોપતિ સંજય ગુપ્તા નાઈરોબીથી આવતાં જ ઝડપાયો છે. વર્ષ 2012માં જામનગરની બેન્ક સાથે છેતરપિંડીનો કેસ નોંધાયા પછી અન્ય આરોપી ઝડપાયા હતા પરંતુ નોવા શિપિંગનો ડાયરેક્ટર સંજય ગુપ્તા વિદેશ નાસી ગયો હતો. રેડ કોર્નર નોટિસ ઈશ્યુ થઈ ચૂકી હતી તેવો સંજય ગુપ્તા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો તે સાથે જ સીબીઆઈની ટીમે ઝડપી પાડ્યો હતો.
• રાજ્યમાં પ્રવાસન મથકોની જોડતી ત્રણ ટુરિસ્ટ સર્કિટ પાછળ રૂ. 150 કરોડ ખર્ચાશેઃ ગુજરાત સરકાર ડાંગ, મહીસાગર અને અંબાજીથી સાપુતારા એમ કુલ ત્રણ નવી ટુરિસ્ટ સર્કિટ શરૂ કરવા જઈ રહી હોવાનો ઉલ્લેખ કરી રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આ ત્રણેય સર્કિટ માટે પ્રવાસન વિભાગ ત્રણ વર્ષમાં 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રવાસન હીલ સ્ટેશન સાપુતારાના વિકાસ માટે ડાંગ ટુરિસ્ટ સર્કિટ વિક્સાવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં 30 કરોડના ખર્ચે આ સર્કિટનું કામ પૂર્ણ થશે.
• સુપ્રીમમાં સાબરમતી આશ્રમના રિડેવલમેન્ટ મુદ્દે સુનાવણીઃ સુપ્રીમ કોર્ટ અમદાવાદમાં સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટને પડકારતી અરજી પર આવતા સપ્તાહે સુનાવણી કરશે. આ અરજી મહાત્મા ગાંધીના પપૌત્ર તુષાર ગાંધીએ દાખલ કરી છે. તેમાં ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે સાબરમતી આશ્રમના પુનર્વિકાસ કરવાના ગુજરાત સરકારના નિર્ણયની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહ દ્વારા કેસ રજૂ કરવા પર શુક્રવારે ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે તેને આવતા સપ્તાહે સુનાવણી માટે લિસ્ટ કરવાના નિર્દેશ આપ્યો જયસિંહે ગુજરાત સરકારના ઈરાદા પર સવાલ ઊભા કરતાં કેસ પર તાત્કાલિક સુનાવણીનો આગ્રહ કર્યો હતો.
• અમદાવાદમાં નવી 26 ઈન્ટરનેશનલ ફ્લાઈટનો પ્રારંભઃ બે વર્ષ બાદ નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઇટનો પ્રારંભ થયો હતો. અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી નવા શેડયૂઅલ મુજબ મુસાફરોને વિવિધ રુટ પરની ૨૬ જેટલી ફ્લાઈટો મળી રહેશે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી મુસાફરોને નવી ફ્લાઇટ અને કનેક્ટિવિટીનો લાભ મળશે. જેમાં મુસાફરોને એક નવી એરલાઈન બેગકોંકના રુટ પર ફ્લાઈટ શરૃ કરી મુસાફરોને નવી સુવિધા આપશે. છેલ્લા બે વર્ષ દરમિયાન વિદેશ માટે અમદાવાદ થી ૧૫ જેટલી સ્પેશિયલ ફ્લાઈટો ઓપરેટ કરાતી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં સપ્તાહમાં ત્રણ દિવસ જે હવે નવા શેડયૂલમાં એપ્રિલ થી ચાર અને મે થી પાંચ દિવસ ઓપરેટ કરાશે. તમામ પ્રતિબંધ હટાવી લેવાતાં અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગો, સ્પાઈસજેટ, દુબઈની અને એતિહાદની અબુધાબીની ફ્લાઈટ ડેઇલી ઉપરાંત એમિરેટ્સ શનિ- રવિવારે સવારની પણ દુબઇની ફ્લાઈટ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે.
ઈરાકી એરવેઝની નાઝફ, અલ જાજીરાની કુવૈત આ બંને એરલાઈન કંપનીઓએ તેમની ફ્લાઈટ કોરોના વખતે બંધ કરી દીધી હતી. હવે આ બંન્ને એરલાઇન કંપનીઓએ તેમની ફ્લાઈટ સમર શેડયુલમાં શરૃ કરી દીધી છે. એર ઇન્ડિયા લંડનની ફ્લાઈટ બે દિવસને બદલે ત્રણ દિવસ અને નૈરોબીની ડેઇલી જ્યારે મસ્ક્ત સપ્તાહમાં ત્રણના બદલે ચાર દિવસ ફ્લાઈટ ઓપરેટ કરવાનું નક્કી કર્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી થાઈ એરવેઝની બેગકોંકની નવી ફ્લાઈટ આગામી સમયમાં શરૂ થનાર છે.
• કોળી સમાજે શસ્ત્રો ઉઠાવતાં રાષ્ટ્રપતિએ મધ્યસ્થી કરવી પડીઃ વિધાનસભાની ચૂંટણીના આ વર્ષમાં ગુજરાતમાં કોળી સમાજે શાસક પક્ષની સામે પોતાનું વલણ અલગ રીતે રજૂ કર્યું છે. કોળી સમાજની અંદર ખૂબ તડાં પડ્યાં છે અને તેમાં ભાજપના જ કોળી નેતાઓ આમને સામને આવી ગયાં છે. આ સંજોગોમાં મધ્યસ્થી કરાવવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પ્રયત્નો કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિએ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ અજીત પટેલ અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા સાથે અડધો કલાકથી વધુ સમય માટે ચર્ચા કરી હતી.
• નીતિ આયોગના નિકાસ ઈન્ડેક્ષમાં સતત બીજા વર્ષે ગુજરાત પ્રથમ ક્રમેઃ કેન્દ્ર સરકારની થિંક ટેન્ક નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્ષમાં ગુજરાતને સતત બીજા વર્ષે સૌથી વધુ પોઈન્ટ્સ મળતા પહેલો ક્રમ અપાયો છે. મહારાષ્ટ્ર બીજા અને કર્ણાટક ત્રીજા ક્રમે હતા. કેન્દ્રશાસિત રાજ્યો અથવા નાના રાજ્યોની કેટેગરીમાં દિલ્હી પ્રથમ નંબરે, ગોવા બીજા ક્રમે રહ્યા હતા. નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્ષ વિવિધ પાંચ મુખ્ય માપદંડો અને ૧૧ પેટા માપદંડોના આધારે તૈયાર થાય છે. એમાં નિકાસ માટેની પોલિસી, નિકાસની શક્યતા, પરફોર્મન્સ, બિઝનેસ ઈકોસિસ્ટમ એમ ચાર માપદંડો ચકાસવામાં આવે છે. એ ઉપરાંત પ્રમોશન પોલિસી, બિઝનેસ માટેનું સાનુકૂળ વાતાવરણ જેવા વિવિધ ૧૧ પેટા માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. તેના આધારે કેન્દ્ર સરકારની થિંક ટેન્ક નીતિ આયોગ ઈન્ડેક્ષ બહાર પાડે છે.
• બીજી એપ્રિલે અમદાવાદમાં કેજરીવાલનો રોડ શોઃ આગામી તા. 2જી એપ્રિલના રોજ અમદાવાદની એક દિવસની ટૂંકી મુલાકાતે દિલ્હીથી આવી રહેલા આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજવામાં આવ્યો છે. રોડ શો ઉપરાંત પક્ષના પ્રદેશ સંગઠન અને આગામી વિધાનસભાની ચૂંટણી અંગે કેટલાંક મહત્ત્વના નિર્ણયો લેવા માટે પ્રદેશ નેતાઓ સાથે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પક્ષના ચૂંટણી ઈન્ચાર્જ ગુલાબરાયજી દિલ્હીથી સુરત આવનાર છે અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને કેટલાંક શુભેચ્છકો સાથે એક બેઠક યોજીને કેજરીવાલના રોડ શોના આયોજન ઉપરાંત કેજરીવાલની હાજરીમાં કેટલાક જાણીતા રાજકીય આગેવાનો આપમાં જોડાય તેની પૂર્વ ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે.
• ગુજરાતમાં છ એપ્રિલે કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા, રાહુલ ગાંધીને આમંત્રણઃ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે બે દિવસથી દિલ્હીમાં ધામા નાખ્યા છે. એઈઆસીસીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સહિતના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં આઝાદી ગૌરવ યાત્રાનું આગામી ૬ એપ્રિલથી ગુજરાતથી પ્રારંભ થવાનો છે. ૧૨૦૦ કિ.મીની. આ યાત્રા અમદાવાદના ગાંધી આશ્રમથી શરૂ થશે. જેનું ઉદ્ઘાટન રાહુલ ગાંધીના હસ્તે થાય તે માટે ગુજરાત કોંગ્રેસ વિધિવત રીતે આમંત્રણ પાઠવ્યું છે. મોટેભાગે છ એપ્રિલે રાહુલ ગાંધી અમદાવાદમાં યાત્રાનો પ્રારંભ કરાવશે.
• ઉનાળાના આરંભે જ રાજ્યના 206માંથી 125 ડેમમાં 50 ટકાથીય ઓછું પાણીઃ હજુ ઉનાળાની શરૂઆત જ થઇ છે ત્યારે વિકાસના મોડેલ તરીકે ‘પાણીદાર’ કહેવાતા ગુજરાત રાજ્યમાં જ પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાવાના એંધાણ છે. રાજ્યમાં પાણીના સંગ્રહ વિષે સરકારના જ આંકડા પર નજર કરીએ તો આગામી સમયમાં પાણીની સમસ્યા ચિંતાજનક બને તેવા હાલ છે. અત્યારે રાજ્યના નાના-મોટા મળીને 206 ડેમમાં અડધાથી પણ વધુ ડેમ એટલે કે 125 ડેમમાં 50 ટકા કે તેથી પણ ઓછું પાણીનો સંગ્રહ છે.


comments powered by Disqus