જામનગર: ભારતીય નૌકાદળની વાલસુરા સ્થિત તાલીમી સંસ્થાએ સમુદ્રી યોદ્ધાઓના નિર્માણમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે' તેમ કહી આજ રોજ અહીં વાલસુરા ખાતે પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય નૌકાદળનાં નિશાન અધિકારી લેફ્ટન્ટન્ટ અરૂણસિંહ આંબ્યાલને એનાયત કર્યો હતો. નેવીની 24 ટુકડીઓના 150 જવાનો દ્વારા રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા બાદ આયોજિત જાજરમાન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વાલસુરાની ભારતીય નૌકાદળની તાલીમી સંસ્થાના ૭૯ વર્ષની કામગીરીની ભરપુર પ્રસંશા કરી વાલસુરાની તાલીમી સંસ્થાએ ભારત ઉપરાંત 15 મિત્ર દેશોના નૌકાદળના 1800 તાલીમાર્થીઓેને પણ સમુદ્રી યોદ્ધાની તાલીમ માટે તૈયાર કર્યા હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રસંગોચિત ઉદબોધન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની પ્રગતિ સાથે ગતિ જાળવી રાખવા ઉપરાંત વધુને વધુ જટિલ શો અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સની લડાઈ યોગ્યતા જાળવવા અને સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌકાદળ હંમેશા આગળ રહ્યું છે. આ પ્રસંગની યાદમાં રાષ્ટ્રપતિશ્રી દ્વારા એક ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું હતું. તેમજ વાલસુરાના ઇતિહાસની ગૌરવપૂર્ણ ગાથા રજૂ કરતી મેમોરેટીવ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. સમારોહ પૂર્વે નેવીની ૨૪ ટુકડીઓના ૧૫૦ જવાનોદ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગાર્ડ ઓફ ઓનર આપી વિશેષ પરેડ યોજવામાં આવી હતી. જામનગર આવી પહોંચેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું એરપોર્ટ ઉપર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યા બાદ ગુજરાત રાજયનાં ગર્વનર આચાર્ય દેવવ્રત અને લશ્કરનાં ત્રણે'ય પાંખના વરીષ્ઠ અધિકારીઓ સહિત પદાધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ રાષ્ટ્રપતિના આગમન સમયે ઉપસ્થિત રહ્યા હતાં.

