મહેસાણાઃ આઝાદી કા અમૃત મહોત્સવમાં દેશમાં 750 સ્કૂલના વિદ્યાર્થી ઇન સ્પેસ કાર્યક્રમમાં સેટેલાઇટ પર કામ કરી રહ્યા છે. જેમાં ગુજરાતમાંથી મહેસાણાના લાડોલની સરકારી બી.એસ. પટેલ કન્યા વિદ્યાલયની પસંદગી થતાં એક સેટ મોકલી અપાયો હતો, જેમાં લાડોલ શાળાની વિદ્યાર્થિની તન્વી પટેલે તાજેતરમાં અમદાવાદ ઇસરો ખાતે સ્પેસ કિડ્સ ઇન્ડિયાના સીઇઓ ડો. કેસન ફાઉન્ડર સાથે પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કર્યું અને આ પ્રોજેક્ટ આઝાદી સેટ સ્પેસ ઇસરો ઓન્લી વુમનના એમઓયુ થયા હતા.
વડાપ્રધાનની ઇસરોની મુલાકાત સમયે તન્વીએ સેટેલાઇટ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કર્યું હતું. જેનો ખાસ ઉલ્લેખ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. તેમણે કહ્યું કે, હું મહેસાણાની સ્કૂલ સ્ટુડન્સ દીકરી તન્વી પટેલને પણ મળ્યો હતો. તે એક ખૂબ નાના સેટેલાઇટ પર કામ કરી રહી છે. જે આગામી થોડાક મહિનાઓમાં સ્પેસમાં લોન્ચ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાને મન કી બાતમાં વધુમાં કહ્યું કે, તન્વીએ મને ગુજરાતીમાં ખૂબ સરળતાથી પોતાનાં કામ વિશે જણાવ્યું હતું. તન્વીની જેમ જ દેશનાં લગભગ 750 સ્કૂલ સ્ટુડન્સ, અમૃત મહોત્સવમાં આવાં જ 75 સેટેલાઇટ્સ પર કામ કરી રહ્યાં છે.
તન્વીએ કહ્યું કે, એક માઇક્રોકંટ્રોલર અને બે સેન્સર છે, જેમાં એક આઇએમયુ, બીજુ ટેમ્પરેચર પ્રેસર એન્ડ હ્યુમીનિટી સેન્સર છે. જેને સેટેલાઇટ મારફતે રોકેટમાં સેટ કરી જ્યારે સ્પેસમાં છોડાશે ત્યારે સ્પેસમાં જઇ આ સેન્સર ડેટા એકત્ર કરી પૃથ્વી પર ટ્રાન્સમિટ કરશે અને ઇન્ટરનેટથી ચાલતા સાધનોમાં ખૂબ ઉપયોગી નિવડશે.

