દેવળિયામાં 500 વર્ષ જૂનું શિવાલય મળી આવ્યું

Tuesday 28th June 2022 15:56 EDT
 

અમરેલી: અમરેલીના દેવળિયા ગામમાં જૂની બંધ કરી દેવાયેલી વાવનું ગ્રામજનો દ્વારા ફરીથી ખોદકામ શરૂ કરાતા ત્રણ માળની વાવ અને શિવમંદિર મળી આવ્યા છે. આ બાંધકામ 500થી પણ વધારે વર્ષો પુરાણું છે. અમરેલીના દેવળિયાના સરપંચે જણાવ્યું હતું કે, ગામમાં વાવને દાટી દેવામાં આવેલી છે તેની તો ખબર હતી પણ તે કેવી છે અને ક્યારે બની તે ઠીક ક્યારે બુરી દેવામાં આવી હતી. તેની ગામના 100 વર્ષના વૃદ્ધ કે તેમના વડવાઓને પણ ખબર નથી. આ વાવમાં એક શિવમંદિર હતું. તેમાંથી મૂર્તિ બહાર કાઢીને બહાર તેની પૂજા થતી હતી. બ્રાહ્મણ પરિવાર દ્વારા ફરીથી મૂર્તિ સ્થાપિત કરવા માટે સરપંચને રજૂઆત કરાતા ગ્રામસભા બલાવી હતી. જેમાં એ સ્થળનું ખોદકામ કરવાનું નક્કી કરાયું હતું. ખોદકામ દરમિયાન વર્ષો પહેલા બુરી દેવાયેલા સ્થળમાંથી ત્રણ માળની વિશાળ વાવ મળી છે. આટલી મોટી અને કલાત્મક વાવ હશે તેની ગામના લોકોને કલ્પના પણ નહોતી.
ત્રણ માળમાંથી ઉપરનો એક માળ નષ્ટ થઈ ગયો છે અને બે માળ હયાત છે. જમીનમાં 48 ફૂટ ઊંડે સુધી 10 ફૂટની પહોળાઈ અને 13 ફૂટ હાઈટનો એક માળ હોય તે મુજબનું બાંધકામ છે. તેમાં નક્શીકામ અને પ્રાચીન મૂર્તીઓ પણ છે. 28 ફૂટ નીચે શિવમંદિર બનાવવામાં આવેલું છે. 48 ફૂટ નીચે બાંધકામ પૂરું થાય તેની નીચે ઊંડો કૂવો છે. જે 18 ફૂટ ઊંડો હોવાની સંભાવના છે. આ વાવ વિશે ગામના 100 વર્ષના વૃદ્ધને પૂછતા જણાવ્યું કે, આ વાવ ક્યારે બની તે તો ખબર નથી પણ ક્યારે બૂરી દેવામાં આવી હતી, તેની પણ તેમને કે તેના વડવાઓને પણ ખબર નથી. મુગલ શાસનકાળમાં હિંદુ મંદિરો બંધ કરાવાતા હતા.તે સમયમાં આ વાવ અને મંદિર બૂરીને બંધ કરાવી દેવાયાનું અમુક લોકોનું માનવું છે.

પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે
અમરેલી જિલ્લામાં હાલમાં આટલી વિશાળ અને અતિ પ્રાચીન હોય તેવી કોઈ વાવ નથી. મંદિરનો લોકફાળાથી જિર્ણોદ્વાર અને ધામધૂમથી મૂર્તિને ફરીથી પ્રાણપ્રતિષ્ઠા કરાશે. વાવની અંદર લાઇટિંગ કરવામાં આવશે. આ વાવ પાછળ
રૂ. 10 લાખ જેટલો ખર્ચ થાય તેવો અંદાજ છે.


comments powered by Disqus