અમદાવાદઃ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર રવિવારથી લઈને સોમવાર સુધી મેઘરાજાની રાજ્યભરમાં પધરામણી થઈ ચૂકી છે. કુલ 251 તાલુકામાંથી 138 તાલુકામાં 1 થી લઈને 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ખેડૂત પાકની વાવણીની રાહ જોતા ખેડૂતો પણ રાજ્યભરમાં ચોમાસાના સાર્વત્રિક આગમનથી ખુશખુશાલ થયા હતા. છેલ્લા 2 દિવસથી શરૂ થયેલા વરસાદે ગ્રામ્યથી લઈને શહેરના પણ મોટાભાગના વિસ્તારોને આવરી લીધા હતા. સોમવારે વરસાદનું જોર થોડું ધીમું પડ્યું હતું પરંતુ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહ્યો હતો. જળાશયોમાં પણ પાણીની આવક થતા તંત્રએ હાશકારો લીધો હતો. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. નિર્ધારિત 15 જૂને રાજ્યમાં ચોમાસું બેસતું હોય છે. પરંતુ થોડો વિલંબ છતા જૂનના અંત પહેલા જ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થતા છેલ્લા કેટલાક સમયથી તાપ-બફારાથી ત્રસ્ત લોકોને હાશકારો થવા પામ્યો હતો. સોમવારે સાંજથી જ અનેક વિસ્તારોમાં તોફાની પવન-વાવાઝોડા સાથે મેઘ તાંડવ થયું હોય તેવી રીતે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક વૃક્ષોનો સોથ વળી ગયો હતો. વીજળીની ગાજવીજ સાથે મેઘરાજાએ રૂદ્રરૂપ ધારણ કર્યું હતું. દક્ષિણ ગુજરાતમાં ધરમપુર ખાતે 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત ઉંમરપાડ, જંબુઘોડા, સોનગઢ, ચીખલી, ટંકારા, ધોળકા, વઘઈ, ગોધરા, અમદાવાદ, કઠલાલ, ધ્રાંગધ્રા, દસક્રોઈ, વડોદરા, ધનસુરા, વિજાપુર, આણંદ, ગલતેશ્વર, વડગામ, કડી સહિતના અનેક વિસ્તારમાં ભારેથી લઈને હળવો વરસાદ થયો હતો.
કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. જળાશયોમાં પાણીનો જથ્થો દિન-પ્રતિદિન ઘટી રહ્યો હતો ત્યારે સ્થાનિક નદી-નાળા અને ડેમોમાં વરસાદી પાણી આવતા એકંદરે તંત્રને પણ રાહત થઈ હતી. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. સંખ્યાબંધ વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. રવિવારે શરૂ થયેલી મેઘમહેરનું જોર સોમવારે ઘટ્યું હતું. દક્ષિણ ગુજરાતના ખેરગામ અને ડોલવણને બાદ કરતા વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું.
ખેડા જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદઃ 20થી વધુ ગામોમાં અંધારપટ
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે સાંજે ત્રાટકેલા વાવાઝોડાને કારણે ઠેકઠેકાણે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ખાસ કરીને અસંખ્ય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયાં છે, જેના કારણે જિલ્લાના કેટલાક રસ્તાઓ પણ બંધ થયા હતા. ગઈકાલે મોડી સાંજે સમગ્ર ખેડા જિલ્લામાં ફુલ જોશમાં પવન ફૂંકાયો હતો. પવનની સાથે સાથે મેઘરાજાની પણ પધરામણી થઈ હતી. આ ત્રાટકેલા વાવાઝોડાની સૌથી વધુ અસર કપડવંજ પંથકમાં જોવા મળી છે. આ પંથકમાં 20થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો. તો બીજી બાજુ વીજપોલ ધરાશાયી થવાના બનાવમાં એને ફરી ઊભા કરવા પણ વધુ સમય માગી લેશે એમ એમ.જી.વી.સી.એલના અધિકારીઓએ જણાવ્યું છે.
નડિયાદ જૂના બસ મથકમાં સ્લેબનો પોપડો તૂટી ગયો
ખેડા જિલ્લાના નડિયાદ, માતર, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ સહિતના વિસ્તારોમાં વાવાઝોડાના કારણે ઢગલાબંધ વૃક્ષો ધરાશાયી થયાં છે. નડિયાદની વાત કરવામાં આવે તો ગત મોડી સાંજે વાવાઝોડાના કારણે જૂના બસ મથકમાં સ્લેબનો પોપડો તૂટી ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. આ ઉપરાંત તાલુકા મથકોએ મોટાં હોર્ડિંગ્સ સહિત ઝાડની ડાળીઓ અને વીજપોલ પણ રોડ ઉપર પડવાના બનાવો બન્યા છે.

