અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સમાધાનની ફોર્મ્યુલા અંતર્ગત શરૂ કરાયેલી લોક અદાલતના આયોજનને સફળતા મળી છે. રવિવારે રાજ્યમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ ત્રણ લાખથી વધારે કિસ્સાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. અગાઉ માર્ચ મહિનામાં યોજાયેલી લોક અદાલતમાં ત્રણ લાખ કરતાં વધુ કેસોનો નિકાલ આવ્યો હતો. જેની સામે આ વખતની લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલા કેસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે.
નીચલી કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ 302421 કેસોનો નિકાલ આવ્યો છે. તે ઉપરાંત 101878 જેટલા કિસ્સાઓ એવા છે કે જે કોર્ટ સમક્ષ પહોંચે તે પહેલા જ બંને પક્ષે સમજાવટ પૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ લોક અદાલતની વિશેષતા એ રહી કે 1307 જેટલા પરિવાર સંબંધિત તકરારોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
